ઈન્ટરનેશનલ કોર્ટે કુલભુષણ મામલે પાકિસ્તાનની ઝાટકણી કાઢી
ઇસ્લામબાદ, કુલભુષણ જાધવના કેસમાં ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે પાકિસ્તાનને ફરી ફટકાર લગાવી છે. કોર્ટના અધ્યક્ષ જજ અબ્દુલાકાવી યુસુફે યુનાઈટેડ નેશન્સની સામાન્ય સભામાં જાણકારી આપતા કહ્યુ હતુ કે, કુલભુષણના મામલામાં પાકિસ્તાને વિયના કન્વેન્શનનુ પાલન કર્યુ નથી.
કોર્ટે કહ્યુ હતુ કે, પાકિસ્તાને કુલભુષણ જાધવને એ તમામ અધિકારીઓ આપ્યા નથી જે વિયેના કન્વેન્શન હેઠળ તેમને મળવા જોઈતા હતા. કોર્ટે વારંવાર વિયેના કન્વેન્શનનો ઉલ્લેખ કર્યો હતો હતો. કોર્ટે કહ્યુ હતુ કે, કન્વેન્શનમાં એ વાતનો ઉલ્લેખ જ નથી કે, જાસૂસીના આરોપનો સામનો કરી રહેલા વ્યક્તિને કોન્સ્યુલર એક્સેસ નથી અપાતો.
કોર્ટે કહ્યુ છે કે, પાકિસ્તાને દરેક પ્રકારની સ્થિતિમાં જાધવને આ લાભ આપવાની જરૂર હતી. બે દેશો વચ્ચે કરાર ના હોય તો પણ પકડાયેલા વ્યક્તિને કોન્સ્યુલર એક્સેસ મળવુ જોઈએ. ઉલ્લેખનીય છે કે, 2017માં જાસૂસીના આરોપમાં પાકિસ્તાની મિલિટરી કોર્ટે કુલભુષણને મોતની સજા સંભળાવી હતી. આ સજા પર પણ પુન વિચારણા કરવામાટે ઈન્ટરનેશલ કોર્ટે ચુકાદો આપ્યો હતો.