ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ૪૫ મિનિટ સુધી બેકાબૂ થયું
વોશિંગ્ટન: અમેરિકન અવકાશી સંસ્થા નાસાનો દાવો છે કે, અંતરિક્ષમાં અવકાશ યાત્રીઓનુ ઘર મનાતુ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ૪૫ મિનિટ સુધી બેકાબૂ થઈ ગયુ હતુ.
નાસાના કહેવા પ્રમાણે ગુરૂવારે ઈન્ટરનેશન સ્પેસ સ્ટેશન પર રશિયન રિસર્ચ મોડ્યુલ તૈનાત કરાયુ હતુ અને અચાનક જ તે બેકફાયર થયુ હતુ. જેના કારણે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પોતાની ભ્રમણકક્ષામાંથી બહાર થઈ ગયુ હતુ. તે વખતે તેના પર સાત અવકાશયાત્રીઓ મોજૂદ હતા. જેમાં બે રશિયન, ત્રણ અમેરિકન, એક જાપાની અને એક ફ્રેન્ચ અવકાશયાત્રીનો સમાવેશ થતો હતો.
આ ઘટનાની જાણ થતા જ નાસામાં હડકંપ મચી ગયો હતો. નાસાના કન્ટ્રોલ રૂમમાં મોજૂદ ટીમે કંટ્રોલ થ્રસ્ટર્સની મદદથી જેમ તેમ કરીને સ્પેશ સ્ટેશનને ભ્રમણકક્ષામાં પાછુ લાવવામાં સફળતા મેળવી હતી. જાેકે આ દરમિયાન ૪૫ મિનિટ સુધી સ્પેસ સ્ટેશન પર નાસાનો કોઈ કંટ્રોલ રહ્યો નહોતો.
તપાસમાં સામે આવ્યુ હતુ કે, રશિયન રિસર્ચ મોડ્યુલમાં ટેકનિકલ ખામી હતી અને તે બેકફાયર થયુ હતુ.તેના જેટ થ્રસ્ટર્સ આપોઆપ એક્ટિવ થઈ ગયા હતા અને તેના કારણે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન નાસાના નિયંત્રણ બહાર જતુ રહ્યુ હતુ.
આ ઘટના બની હતી તેના થોડા કલાકો બાદ નાસા તરફથી એક સ્પેસ કેપ્સ્યુલ લોન્ચ થવાનુ હતુ.જે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે જાેડાવા માટે મોકલવાનુ હતુ. જાેકે આ ઘટના બાદ તેનુ લોન્ચિંગ રોકવામાં આવ્યુ છે. હવે ત્રણ ઓગસ્ટે તેનુ લોન્ચિંગ થશે.