ઈન્ડિગોની ફ્લાઈટ બરફ સાથે અથડાતા મોટી દુર્ઘટના થતા રહી ગઈ
શ્રીનગર, જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં મોટી દુર્ઘટનાથી બચી ગયા છે. અહીં 233 મુસાફરો ભરેલુ ઈન્ડિગોનું પ્લેન એરપોર્ટ પરથી નિકળતા જ જામેલા બરફ સાથે અથડાઈ ગયુ હતું. આ દુર્ઘટનાને લઈને શ્રીનગર એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર આવ્યા નથી., તથા કંઈ નુકસાન પણ થયું નથી.
હાલના સમયમાં કાશ્મીરમાં મોટા ભાગના વિસ્તારોમાં બરફ જામેલો છે. જ્યાં બરફથી છવાયેલી સફેદ ચાદર ફેલાયેલી છે. જેને લઈને મોટા ભાગના રસ્તાઓ બંધ થયેલા છે. તથા એરપોર્ટ પર ફ્લાઈટ ઉડવામાં પણ મોડુ થઈ રહ્યુ છે. જો કે, ફ્લાઈટ વ્યવસ્થિત રીતે ચાલી શકે તે માટે એરપોર્ટ પર મોટા પાયે વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે. જો કે, રન વે પરથી હટાવામાં આવેલો બરફ ત્યાં સાઈડમાં રાખી દેવામાં આવ્યો હતો. તેના કારણે ઈન્ડિગોની ફ્લાઈટનો એક ભાગ બરફ સાથે ટકરાઈ ગયો હતો, અને આ દુર્ઘટના ઘટી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, ઈંડિગોની ફ્લાઈટ નંબર 6E-2559 વિમાન શ્રીનગરથી દિલ્હી માટે આવી રહ્યુ હતું. બરાબર આ જ સમયે ડાબી બાજૂનો ભાગ બરફમાં ફસાઈ ગયો હતો. જે તુરંત બાદ તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તથા વિમાનની તપાસ કરવામાં આવી હતી. જો કે, બાદમાં વિમાન દિલ્હી જવા માટે રવાના થઈ ગયુ હતું.