ઈન્ડિગો કર્મીઓના પગારમાં ૨૫ ટકા સુધી થયેલો ઘટાડો
નવીદિલ્હી, કોરોનાના કારણે ઉડ્ડયન ઇન્ડસ્ટ્રીમાં જારદાર કટોકટી સર્જાઈ ગઈ છે. દુનિયાના દેશો તેમની ઉડ્ડયન સેવામાં કાપ મુકી ચુક્યા છે. આવી સ્થિતિનો ઉડ્ડયન ક્ષેત્રમાં ભારે નુકસાન થઇ ચુક્યું છે. ઉડ્ડયન ઇન્ડસ્ટ્રીમાં કોરોનાના લીધે કફોડી હાલત વચ્ચે ઈન્ડિગો સીઈઓ રોનોજાય દત્તાએ આજે જાહેરાત કરી હતી કે, એરલાઈન્સ દ્વારા સિનિયર કર્મચારીઓ માટેના પગારમાં જંગી કાપ મુકવામાં આવી રહ્યો છે. તેઓ પોતે તેમના પગારમાં ૨૫ ટકાનો કાપ મુકી રહ્યા છે.
કોરોના વાયરસે એવિએશન ઇન્ડસ્ટ્રીને ભારે નુકસાન પહોંચાડી દીધું છે. આવી સ્થિતિમાં કોરોનાની અસરને ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કર્મચારીઓને મોકલવામાં આવેલા પોતાના ઇમેઇલમાં દત્તાએ કહ્યું હતું કે, એરલાઈન્સ દ્વારા રેવેન્યુમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. એરલાઈન ઇન્ડસ્ટ્રીના અસ્તિત્વ સામે પણ ખતરો તોળાઈ રહ્યો છે. કેશ ફ્લોને લઇને ગંભીરતાથી ધ્યાન આપી રહ્યા છે. રોકડ કટોકટી ઉભી ન થાય તે માટે પ્રયાસ થઇ રહ્યા છે. અન્ય એરલાઈન પણ મુશ્કેલી અનુભવી રહી છે.
સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ઉપરના કર્મચારીઓના પગારમાં ૨૦ ટકાનો ઘટાડો થઇ રહ્યો છે જ્યારે વાઇસ પ્રેસિડેન્ટ, કોકપિટ કર્મચારીઓના પગારમાં ૧૫ ટકાનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આસીસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ, બેન્ડ ડી સાથે જાડાયેલા કર્મચારીઓના પગારમાં ૧૦ ટકા તથા બેન્ડ સી સાથે જોડાયેલા કર્મચારીઓના પગારમાં પાંચ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે.
માત્ર ઈન્ડિગો જ નહીં બલ્કે અન્ય ભારતીય એરલાઈનો ઉપર પણ ગંભીર પ્રકારના સંકટો તોળાઈ રહ્યા છે. કોરોનાને ધ્યાનમાં લઇને મોટી સંખ્યામાં ફ્લાઇટો ઘટાડી દેવામાં આવી છે. એક જ જગ્યા પર વધુ લોકોના એકત્રિત થવા પર બ્રેક મુકવામાં આવી છે. આ ઉપરાંત પણ શ્રેણીબદ્ધ નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે જેના પરિણામ સ્વરુપે ઉડ્ડયન ઇન્ડસ્ટ્રીની હાલત કફોડી બનેલી છે. દેશની તમામ એરલાઈન્સો સામે હાલમાં તેમની સેવાને જારી રાખવાની બાબત પડકારરુપ બનેલી છે. ઈન્ડિગોની સાથે સાથે એર ઇન્ડિયા, સ્પાઇસ જેટ, અન્ય તમામ એરલાઈનો મુશ્કેલીમાં છે.