ઈન્ડિયન આઈડલ ૧૨ ગ્રાન્ડ ફિનાલેમાં પિતા સાથે આદિત્ય પર્ફોમન્સ આપશે
ફિનાલે ૧૨ કલાક ચાલશે, વિજેતાઓની જાહેરાત લાઈવ થશે, એપિસોડનો ભાગ અગાઉથી રેકોર્ડ કરેલો હશે
મુંબઈ, ભારતીય ટેલિવિઝનના અત્યારના સૌથી પોપ્યુલર રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ ૧૨નો હોસ્ટ આદિત્ય નારાયણ ખૂબ વ્યસ્ત છે. ૧૫ ઓગસ્ટે ‘ઈન્ડિયન આઈડલ ૧૨નું ગ્રાન્ડ ફિનાલે પ્રસારિત થશે. ગ્રાન્ડ ફિનાલેનું પ્રસારણ સતત ૧૨ કલાક થશે ત્યારે આદિત્ય શો માટે નોન-સ્ટોપ શૂટિંગ કરી રહ્યો છે.
ફિનાલે વિશે વાત કરતાં આદિત્યએ કહ્યું, અમે પાંચથી વધુ દિવસથી સતત શૂટિંગ કરી રહ્યા છીએ કારણકે ગ્રાન્ડ ફિનાલે ૧૨ કલાક ચાલશે. વિજેતાઓની જાહેરાત લાઈવ થશે. પરંતુ એ સિવાયનો એપિસોડનો ભાગ અગાઉથી રેકોર્ડ કરેલો હશે. ૧૫ ઓગસ્ટે પણ એપિસોડનો એક મોટો હિસ્સો શૂટ થવાનો છે.
શોના કન્ટેસ્ટન્ટ્સ ઉપરાંત સ્પેશિયલ ગેસ્ટ પણ પર્ફોર્મ કરવાના છે ત્યારે શોનો હોસ્ટ આદિત્ય કેમ પાછો પડે? ગ્રાન્ડ ફિનાલેમાં પોતાના પર્ફોર્મન્સ વિશે વાત કરતાં આદિત્યએ કહ્યું, પહેલીવાર એવું બનશે કે હું અને પપ્પા એક આખું સેગમેન્ટ સાથે હોસ્ટ કરીશું.
અમારું એક્ટ ખૂબ રસપ્રદ બની રહેવાનું છે કારણકે હું ‘ગદર’ ફિલ્મનું પપ્પાનું સૌથી પોપ્યુલર ગીત ‘મૈં નીકલા ગડ્ડી લેકે’ ગાવાનો છું. જ્યારે પપ્પા ‘રામ લીલા’ ફિલ્મનું મારું હિટ સોન્ગ ‘તતડ તતડ’ ગાશે. ઈન્ડિયન આઈડલ ૧૨માં ઉદિત નારાયણ ઉપરાંત કુમાર સાનુ, અલકા યાજ્ઞિક, મિકા સિંહ, અનુ કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી જેવા સેલિબ્રિટીઝ મહેમાન બનીને આવશે.
સ્વાતંત્ર્ય દિને શોનું ગ્રાન્ડ ફિનાલે છે ત્યારે શોના ટોપ-૬ કન્ટેસ્ટન્ટ્સ ઉપરાંત પૂર્વ કન્ટેસ્ટન્ટ્સ દેશભક્તિના ગીતો ગાશે. આ સિવાય સેનાના જવાનો પણ કાર્યક્રમમાં ખાસ હાજરી આપશે. ફાઈનલમાં પહોંચેલી કન્ટેસ્ટન્ટ્સ અરુણિતા કાંજીલાલ અને સાયલી કાંબલેએ જવાનો માટે બેસનના લાડુ બનાવ્યા છે અને તેમને ખવડાવશે.
જેનો પ્રોમો ચેનલ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો છે. શોનું ગ્રાન્ડ ફિનાલે શાનદાર બનાવામાં મેકર્સે જરાય કચાશ રાખી નથી. ઈન્ડિયન આઈડલ ૧૨’ના ગ્રાન્ડ ફિનાલેને આડે ગણતરીના કલાકો બાકી છે ત્યારે આદિત્ય નારાયણે બીજાે રિયાલિટી શો હોસ્ટ કરવાની તૈયારી કરી લીધી છે.
‘ઈન્ડિયન આઈડલ ૧૨’ પૂરું થયા બાદ આદિત્ય નારાયણ અન્ય સિંગિગ રિયાલિટી શો ‘સા રે ગા મા પા’ હોસ્ટ કરવાનો છે. આ વિશે વાત કરતાં આદિત્યએ કહ્યું, “ઈન્ડિયન આઈડલ બાદ હું વધુ એક શો હોસ્ટ કરવાનો છું અને તે સા રે ગા મા પા છે. આ શો માટે ઓડિશન શરૂ થઈ ગયા છે.