“ઈન્ડિયન આઈડલ ૧૨” ફેમ સવાઈ ભાટ પાસે હાલ કોઈ કામ નથી

મુંબઈ, ઈન્ડિયન આઈડલ ૧૨ ખતમ થયાને ઘણા મહિના થઈ ગયા છે અને તેના કન્ટેસ્ટન્ટ્સ મ્યૂઝિકલ ટુર કરીને ધૂમ કમાણી કરી રહ્યા છે. ટોપ ૪ કન્ટેસ્ટન્ટ પવનદીપ રાજન, અરુણિતા કાંજીલાલ, સાયલી કાંબલે અને મહોમ્મદ દાનિશ હાલમાં જ યુકેના મોટા શહેરોમાં કોન્સર્ટ કરીને પરત ફર્યા છે.
આ મહિને ફરીથી તેઓ લંડન જવાના છે અને આ વખતે તેમની સાથે નિહાલ તોરો અને શન્મુખપ્રિયા પણ હશે. તમામ સિંગર્સ ૨૦૨૨માં અમેરિકાની ટુર પણ કરવાના છે. ટોપ ૬ કન્ટેસ્ટન્ટ્સને શોના કારણે નામના તો મળી જ સાથે તેમને આવકનો સ્ત્રોત પણ મળી ગયો છે.
જાે કે, રાજસ્થાની સ્ટાઈલ સિંગિંગ કરીને નામના મેળવનારા મૂળ રાજસ્થાનના કન્ટેસ્ટન્ટ સવાઈ ભાટને આમ નસીબ થયું નથી. જ્યારે તે શોમાં હતો ત્યારે તેના સિંગિંગના માત્ર જજ જ નહીં પરંતુ શોના મહેમાન બનતા સેલિબ્રિટીએ પણ વખાણ કર્યા હતા.
હિમેશ રેશમિયાએ તો પોતાના આલ્બમમાં તેને સોન્ગ ગાવાની પણ તક આપી હતી, જે હિટ ગયું હતું. પરંતુ, રિપોર્ટ્સ પ્રમાણે, સવાઈ ભાટ પાસે હાલ આવકનું કોઈ સાધન નથી. રિપોર્ટ્સ પ્રમાણે, સવાઈ ભાટ હજી પણ ગરીબીનો સામનો કરી રહ્યો છે કારણ કે તેની પાસે રહેવા માટે પોતાનું ઘર નથી.
સિંગર કે જેના ફેન્સ દુનિયાભરમાં છે, તેની પાસે આવકનો કોઈ સ્ત્રોત જ નથી. થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યૂમાં સવાઈ ભાટે જણાવ્યું હતું કે, ઈન્ડિયા આઈડલ ૧૨ થકી પોપ્યુલર થયા બાદ તેના ગામમાં ઈલેક્ટ્રિસિટી આવી હતી.
ગામમાં પહેલા કઠપૂતળીનો શો તે કરતો હતો. પરંતુ, ઈન્ટરનેટના કારણે લોકોને તેમાં હવે રસ રહ્યો નથી. સવાઈ ભાટે આ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેને પ્રેમ અને સન્માન તો મળે છે પરંતુ આર્થિક રીતે તે હજી સક્ષમ નથી. જાે સરકાર તરફથી થોડી આર્થિક મદદ મળે તો તે સમાજના બાળકોને મ્યૂઝિક શીખવવા માટે એક સંસ્થા ખોલવા ઈચ્છે છે.SSS