ઈન્ડિયન આર્મી સતત ૪૦ દિવસ સુધી લડી શકે એ પ્રકારે શસ્ત્રનો સ્ટોક કરશે
નવી દિલ્હી, ભવિષ્યમાં સતત ૪૦ દિવસ સુધી લડી શકાય એ માટેની તૈયારી ભારતીય ખુશ્કીદળ (આર્મી)એ શરૂ કરી છે. એનો મતલબ એવો નથી કે ભારતીય સૈન્ય અત્યારે લડવા માટે સક્ષમ નથી. પરંતુ ભવિષ્યનું આયોજન અત્યારથી થાય એ બહુ જરૂરી છે. કેમ કે ભારતને ચીન અને પાકિસ્તાન બન્ને તરફથી ખતરો છે. સામાન્ય રીતે પાકિસ્તાન વધારે આક્રમક જણાય છે, પરંતુ મોટો ખતરો ચીન તરફથી છે. માટે ભારતીય સંરક્ષણ મંત્રાલયે પાણી પહેલા પાળ બાંધવાની શરૂઆત કરી છે.
શરૂઆતી તબક્કે સતત દસ દિવસ સુધી લડી શકાય એ પ્રકારે સ્ટોક કરાશે. એ માટે ૨૦૨૨-૨૩ની સમય મર્યાદા નિર્ધારિત થઈ છે. સૈન્ય પાસે વિવિધ પ્રકારના હથિયારોની અછત છે. એ પુરી થાય એટલા માટે અંદાજે ૧૩ હજાર કરોડના બજેટ સાથે વિવિધ ૨૪ કોન્ટ્રાક્ટ પર કામ ચાલી રહ્યું છે.
અત્યારે આર્મી લડત આપી શકે એમ છે. પરંતુ દરેક પ્રકારના ગોળા-બારૂદ, હથિયારોની સતત જરૂર હોતી નથી. જો લાંબી લડાઈ લડવાની થાય તો ઘણા પ્રકારના હથિયાર, સાધન-સામગ્રી જોઈએ. એ બધાનો સ્ટોક થઈ શકે એ માટે આ તૈયારી જરૂરી છે. ભારતમાં જ ઉત્પાદન થઈ શકે એટલા માટે સંરક્ષણ મંત્રાલય મેક ઈન ઈન્ડિયાને પર ભાર આપી રહ્યું છે.
અત્યારે દેશમાં પ્રાઈવેટ સેક્ટર દ્વારા વિવિધ આઠ પ્રકારની ટેન્કનું ઉત્પાદન થઈ રહ્યું છે. ભારતીય લશ્કર પાસે અમુક પ્રકારના શસ્ત્રોનો પુરતો જથ્થો ન હોવાનો ખુલાસો કોમ્પટ્રોલર એન્ડ આૅડિટર જનરલ (કેગ)ના રિપોર્ટમાં થઈ ચૂક્યો છે. લશ્કરની જરૂરિયાત પ્રમાણેના સાધનો-સામગ્રી સમયસર મળે એ માટે સરકારે ઝડપથી પ્રોજેક્ટ મંજૂર કરવાની શરૂઆત કરી છે.