Western Times News

Gujarati News

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ.નાં ચેરમેન તરીકે શ્રીકાંત માધવ વૈદ્યએ ચાર્જ સંભાળ્યો

અમદાવાદ : ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ.નાં ચેરમેન તરીકે શ્રી શ્રીકાંત માધવ વૈદ્યએ ચાર્જ સંભાળ્યો છે. તેઓ આ ઉપરાંત ઈન્ડિયન ઓઈલની સ્ટેન્ડ અલોન રિફાઈનીંગ સબસિડયરી ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. તેમજ અન્ય સંયુક્ત સાહસ ઈન્ડિયન ઓઈલ ટેન્કીંગ લિ.નાં પણ ચેરમેન બન્યા છે. તેઓ હિન્દુસ્તાન ઉર્વાર્ક એન્ડ રસાયણ લિ. નામના સંયુક્ત સાહસનાં બોર્ડ પર પણ છે. શ્રીવૈદ્ય રત્નાગિરિ રિફાઈનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિ.નાં બોર્ડ પર છે. જે હવેથી તેનાં ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળશે અને પેટ્રોનેટ એલએનજી લિ.નાં ડાયરેક્ટર તરીકે રહેશે.

ચેરમેન તરીકેની નિયુકિત પહેલા શ્રી વૈદ્ય ઈન્ડિયન ઓઈલ બોર્ડમાં ડાયરેક્ટર (રિફાઈનરીઝ) તરીકે ઓક્ટોબર 2019થી કાર્યરત હતાં. તેમણે નિવૃત્ત થયેલા શ્રી સંજીવ સિંઘ પાસેથી આજથી અમલમાં આવે તે રીતે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ.નાં ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે.

રુરકેલાની નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાંથી કેમિકલ એન્જિનિયર થયેલા શ્રી વૈદ્ય રિફાઈનીંગ અને પેટ્રોકેમિકલ્સ ઓપરેશન્સનો 34થી પણ વધુ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. ભારતનાં સૌથી મોટા ક્રેકર પ્લાન્ટ પાણીપત નેપ્થા ક્રેકર કોમ્પલેક્સમાં તેમણે એક દશકાથી પણ વધુ સમય સુધી કાર્ય કર્યું છે. ભારતીય ઓઈલ અને ગેસ ઉદ્યોગનાં તેઓ જૂજ ટેક્નોક્રેટસમાનાં એક છે, કે જેઓ રિફાઈનરી-પેટ્રોકેમિકલ્સનાં તમામ પાસાઓમાં નિપૂણતા ધરાવે છે અને લાંબા ગાળા માટે આ ઉદ્યોગના અસ્તિત્વનું સુદૃઢ આયોજન કરી શકે છે.

પ્રોડક્ટસનાં સરળ સપ્લાય, ઈકોફ્રેન્ડલી વ્યાપાર કામગીરી અને તંદુરસ્ત રિફાઈનીંગ માર્જિન્સ માટે શ્રીવૈદ્યે હંમેશા ભાર મુક્યો છે. તેમણે ઈન્ડિયન ઓઈલમાં ડાયરેક્ટર (રિફાઈનરીઝ) તરીકે અને તેની પહેલા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (રિફાઈનરી ઓપરેશન્સ)નાં કાર્યકાળ દરમિયાન વિવિધ રિફાઈનરી વિસ્તરણ અને પેટ્રોકેમિકલ પ્રોજેકટસ હાથ ધર્યા હતાં. દેશનાં સમયસર બીએસ-6 ગ્રેડ ઓટો ફ્યુઅલ્સ, આઈએમઓ કમ્પલાયન્ટ બંકર ફ્યુઅલ અને વિશેષ વિન્ટર ગ્રેડ ડિઝલનાં રોલ આઉટમાં શ્રી વૈદ્યની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.