ઈન્ડિયન નેવીમાં જાસુસીનો પર્દાફાશ : સાતની ધરપકડ
અમરાવતી: આંધ્રપ્રદેશ પોલીસે આજે પાકિસ્તાની સંપર્ક રાખનાર એક જાસુસી રેકેટનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો હતો. ભારતીય નૌકા સેનાના સાત કર્મચારીઓને આ સંદર્ભમાં પકડી પાડવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશે આ મામલો શોધીને સમગ્ર રેકેટમાં ઉંડી તપાસ શરૂ કરી છે. ધરપકડ કરવામાં આવેલા તમામ નૌકા સેનાના જવાનોની પુછપરછ કરવામાં આવી રહી છે.
ભારતીય નૌકા સેનાના પાકિસ્તાની જાસુસી રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. પોલીસ તરફથી જારી કરવામાં આવેલા નિવેદન મુજબ પોલીસની ગુપ્તચર સંસ્થાએ કેન્દ્રીય ગુપ્તચર સંસ્થાઓ અને નૌકા સેનાના ગુપ્તચર વિભાગ સાથે મળીને આ સમગ્ર ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડીને જાસુસોને પકડી પાડ્યા છે.
ઓપરેશન ડોલ્ફિન્સનોઝ ચલાવવામાં આવ્યું હતું અને જાસુસી રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સંદર્ભમાં ઉડી પુછપરછનો સિલસિલો ચાલી રહ્યો છે. આ સંદર્ભમાં માહિતી આપતા પોલીસે કહ્યું છે કે, ઝડપાયેલા શખ્સોના પાકિસ્તાન સાથે સંબંધો હોઈ શકે છે.
સાત કર્મચારીઓ અને એક હવાલા ઓપરેટરને પકડી પાડીને તેમની પુછપરછ ચાલી રહી છે. આ સંદર્ભમાં વિગતવાર માહિતી આપવાનો ઇન્કાર કરતા પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે, હાલમાં ઉંડી તપાસ ચાલી રહી છે જેથી કોઇપણ પ્રકારની વિગત આપવી યોગ્ય રહેશે નહીં. સીબીઆઈ તરફથી પણ તપાસ ચાલી રહી છે.