ઈન્ડોનેશિયાએ પણ ફ્રાંસ સાથે 42 રાફેલ વિમાનો ખરીદવા કરી ડીલ

પ્રતિકાત્મક
નવી દિલ્હી, ભારતે ફ્રાન્સ પાસેથી 36 રાફેલ વિમાનો ખરીદયા બાદ આ ફાઈટર જેટ રાતોરાત ચર્ચામાં આવી ગયુ છે. હવે ઈન્ડોનેશિયાએ પણ ભારતના પગલે ચાલીને ફ્રાન્સ પાસે 42 રાફેલ જેટ ખરીદવાનો નિર્ણય લીધો છે.ઈન્ડોનેશિયાના પ્રવાસે ગયેલા ફ્રાન્સના સંરક્ષણ મંત્રી ફ્લોરેન્સ પાર્લેએ ટ્વિવીટ કરીને આ ડીલની જાણકારી આપી છે.
ભારતની જેમ ઈન્ડોનેશિયાને પણ ચીન સાથે વિવાદ ચાલી રહ્યો છે.નાતુના નામના ટાપુને લઈને બંને દેશો વચ્ચે તનાતની છે.તાજેતરમાં ઈન્ડોનેશિયાએ પોતાની દરિયાઈ સીમામાં ઘૂસેલા ચીનના યુધ્ધ જહાજને હાંકી કાઢ્યુ હતુ અને એ પછી ચીને ઈન્ડોનેશિયાની ઘેરાબંધી વધારી દીધી છે.જેના પગલે ઈન્ડોનેશિયા પણ પોતાની ક્ષમતાઓ વધારી રહ્યુ છે. ચીનને ધ્યાનમાં રાખીને જ ઈન્ડોનેશિયાએ ભારત કરતા પણ વધારે રાફેલ વિમાનોનો સોદો કરી નાંખ્યો છે.
આ વિમાન બનાવનાર કંપની ડસોલ્ટનુ કહેવુ છે કે, બંને દેશો વચ્ચેની ડીલ લાંબા સમય સુધી ચાલનારી ભાગીદારીની શરુઆત છે.
ફ્રાંસે સંકેત આપ્યો છે કે, વિમાન બાદ હવે ઈન્ડોનેશિયા અમારી પાસેથી સબમરિન ખરીદે તેવી પણ શક્યતા છે.બંને દેશો વચ્ચે વિમાન સોદા માટે લાંબા સમયથી વાત ચાલી રહી હતી. હવે સાઉથ ચાઈના સીમાં ચીન માટે રાફેલ વિમાનોથી ખતરો વધી ગયો છે.