Western Times News

Gujarati News

ઈન્દીરા ગાંધી અને દીના વાડીયા વચ્ચેની કેટલીક સમાનતા

૧૭ નવેમ્બરે આપણાં ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. ઈન્દીરા ગાંધીની જન્મતિથી આવશે. એ વિશે ઘણુબધુ લખાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. ભારતનાં એકમાત્ર મહિલા પ્રધાનમંત્રીએ બહાદુરી પૂર્વકના એવા નિર્ણયો પોતાના કાર્યકાળ દરમિયાન લીધા હતા, દૃઢ નિશ્ચયી અને લોખંડી મિજાજનાં ઈન્દીરાજી વિશે એવું કહેવાય છે કે ૧૯૭૧ પહેલાં પૂર્વ પાકિસ્તાન (આજનું બાંગ્લાદેશ) સરહદે જયારે શરણાર્થીઓનો ઘસારો વધી ગયો ત્યારે તેમણે યુનો અને અમેરીકાને પણ ખુલ્લેઆમ કહી દીધુ હતુ કે તમે લોકો પરિસ્થિતિને રોકવામાં નિષ્ફળ ગયા છો.

આને કારણે આવનાર પરીણામની જવાબદારી પણ તમારી રહેશે. એ વખતે અને આજે પણ યુનો જેવી સંસ્થા તથા અમેરીકા જેવા દેશ સામે બોલવાની કોઈ હિંમત કરતું નહોતું / નથી. ત્યારે આ દુર્ગાના અવતાર સમી મહીલાએ અમેરીકાને ચોપડાવી દીધુ હતું. બાદમાં યુધ્ધ શરૂ થયું તો અમેરીકા દર વખતની જેમ ચંચુપાત કરવા વચ્ચે પડ્‌યુ હતું અને ઈન્દીરાજીને સમજાવવા માટે તેડું મોકલાવ્યું હતું.

એ વખતે કોઈને ન ગાંઠતા ઈન્દીરાજીએ અમેરીકાના પ્રમુખે મિટીંગ માટે ગોઠવેલો સમય મહત્વની વાતો કરવાની જગ્યાએ હવામાનની અને અન્ય વાતો કરવામાં જ કાઢી નાખેલો. આમ, ઈન્દીરાજીએ પોતાનો પરચો અમેરીકાને પણ બતાવી દીધો હતો. આજની તારીખે સત્તા ખાતર ઘણી વખત દેશહિતમાં નિર્ણય ન લઈ શકતા નેતાઓની જગ્યાએ શ્રીમતી ગાંધીએ ઓપરેશન બ્લ્યુ સ્ટાર જેવા નિર્ણયો દેશહિત માટે લીધા હતા અને આમ જનતાની ખફગી વહોરી હતી.

જો કે આપણે જે વાત કરવાની છે એ ફકત ઈન્દીરાજીને લગતી નથી, હમણાં ત્રીજી નવેમ્બરે ભારતભરનાં અને દુનિયાનાં ઘણાં અખબારોમાં સમાચાર ચમક્યા હતાં. “ફિઅરલેસ દિના વાડીયા,પ. પાસીસ અને એટ ૯૮ ઈન ન્યુયોર્ક. ફિઅરલેસ દિના વાડીયા. આ દિના વાડીયા એટલે ગુજરાતી પારસી અને દેશનાં અગ્રણી ઉદ્યોગપતીઓમાં સ્થાન ધરાવતાં. સ્વ. નેવીલ વાડીયાના ધર્મ પત્ની એ સિવાય તેઓ પોતાના સમયના અગ્રીમ નેતાઓમાં સ્થાન ધરાવતા. ગુજરાતી મુસ્લીમના પુત્રી. અગ્રીમ નેતા એટલે આજના પાકિસ્તાનના કાયદે આઝમ મહમદઅલી ઝીણા.  દિના વાડીયા લગ્ન પહેલાં દિના ઝીણા હતા.
હવે રસપ્રદ વાત એ છે કે ઈન્દીરા ગાંધી જવાહરલાલ નહેરુના એકમાત્ર સંતાન હતા.

જયારે દિના વાડીયા પણ મહમદ અલી ઝીણાનાં એક માત્ર સંતાન હતા. દિના વાડિયાએ તેમના પિતાની વિરુધ્ધ જઈને એક પારસી સાથે લગ્ન કર્યા હતા, ઈન્દીરા ગાંધીએ પણ જવાહરલાલ નહેરુની અનિચ્છા છતાં પારસી યુવાન ફિરોજ ગાંધી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન કરતાં પહેલાં ઝીણાએ એમનાં પુત્રીને કહ્યું હતું કે ‘હિન્દુસ્તાનમાં હજારો મુસ્લીમ છોકરા છે. તને એમાંથી કોઈ ન મળ્યું ?’ ત્યારે દિના વાડીયાએ એમને યાદ કરાવતાં કહ્યું હતું કે હિંદુસ્તાનમાં હજારો મુÂસ્લમ સ્ત્રીઓ છે. તમે એમની સાથે લગ્ન કેમ ન કર્યાં ? (મહમ્મદ અલી ઝીણાના બીજા પત્ની અને દિના વાડીયાના માતા રતનબાઈ પણ પારસી હતા.)

જવાહરલાલ નહેરુ પણ ઈંદીરા ગાંધીના લગ્ન વિરુધ્ધ હતા. તેમ છતાં તેમણે ફિરોજ ગાંધી સાથે લગ્ન કર્યા હતા, ઈંદીરા ગાંધીને બે સંતાન હતા. રાજીવ ગાંધી અને સંજય ગાંધી. દિના વાડીયાને પણ બે સંતાન હતા. નસ્લી વાડીયા તથા ડાઈના વાડીયા, ઈંદીરા ગાંધીના પરિવારનું નામ ભારતીય રાજકારણમાં આદરથી લેવાય છે. દિના વાડીયાના પરીવારનું નામ ભારતીય ઉદ્યોગ જગતમાં આદરથી લેવાય છે. બંને સ્ત્રીઓ સ્વભાવની દૃઢ નિશ્ચયી હતી, તેનો ખ્યાલ ઈંદીરા ગાંધી વિશે ૧૯૭૧ના યુધ્ધ પરથી આવી જાય છે. જયારે દિના વાડીયાને તેમના પિતા મહમ્મદ અલી ઝીણા સાથે અણ બનાવ બન્યા પછી તેઓ મૃત્યુપર્યંત તેમને મળવા ગયા નહોતા, એ પરથી આવે છે.

PS. આમ ભારત અને પાકિસ્તાના રાજકારણમાં મહત્વ ધરાવતા બે પરિવારની સ્ત્રીઓનું ક્ષેત્ર ભલે અલગ રહયું હોય પરંતુ જીવન અમુક અંશે સામ્ય ધરાવતું હતું. સામાન્ય રીતે પુત્રો પિતાના વારસાના ઉત્તરાધિકારી હોય છે પરંતુ છેલ્લા કેટલાંક દાયકાઓનું વૈશ્વિક રાજકારણ જોઈએ તો ભારતમાં નહેરુનો વારસો ઈન્દીરાએ બાંગ્લાદેશમાં શેખ મુજીબુર રહેમાનનો વારસો શેખ હસીનાએ, પાકિસ્તાનમાં ઝુલ્ફીકાર અલીનો વારસો બેનઝીરે, ઈંગ્લેન્ડમાં જયોર્જ છઠ્ઠા બાદ અત્યારની રાણી એલિઝાબેથ બીજીએ સંભાળ્યો છે, જયારે ડોનાલ્ડ ટ્રમ્પ બાદ તેમની પુત્રી ઈવાન્કાનું નામ ચર્ચાઈ રહયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.