Western Times News

Gujarati News

ઈન્દોરની યુવતી ૮મા પ્રયાસે ફ્લાઈંગ ઓફિસર બની

સલોની શુક્લા હૈદરાબાદના એરફોર્સ ટ્રેનિંગ સેન્ટરમાં તે કોમ્બેટ, જનરલ ટ્રેનિંગ લેશે, વાયુસેનામાં સેવા આપશે

ઈંદોર,  મધ્ય પ્રદેશના ઈંદોરની સલોની શુક્લાએ બધાને પ્રેરણા આપતી સિદ્ધિ મેળવી છે. મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કરી ચૂકેલી સલોનીની પસંદગી એરફોર્સમાં ફ્લાઈંગ ઓફિસર તરીકે થઈ છે. ટ્રેનિંગ પછી તે વાયુસેનામાં ટેકનિકલ વિંગમાં સેવા આપશે. સલોનીની આ સફળતા પર પરિવારના લોકો ઘણા ખુશ છે.

એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા બાદથી જ સલોની સેનામાં જવાનો પ્રયાસ કરી રહી હતી. સફળ થયા બાદ સલોનીએ કહ્યું કે, હું શરૂઆતથી જ દેશ માટે કંઈ કરવા ઈચ્છતી હતી.

સલોની શુક્લાએ એરફોર્સમાં ભરતી થવા માટે ૮ વખત પરીક્ષા આપી છે .તે ૭ વખત નિષ્ફળ રહી હતી. ૮મા પ્રયાસમાં તેને સફળતા મળી. સલોની ટૂંક સમયમાં જ ટ્રેનિંગ માટે રવાના થશે. હૈદરાબાદના એરફોર્સ ટ્રેનિંગ સેન્ટરમાં તે કોમ્બેટ અને જનરલ ટ્રેનિંગ લેશે. તે પછી એરફોર્સની બેંગલુરુ સ્થિત ટેકનિકલ કોલેજમાં તે ટેકનિકલ ટ્રેનિંગ લેશે.

સલોની પોતાની સેવા દરમિયાન અત્યાધુનિક ફાઈટર પ્લેન, માલવાહક, હેલિકોપ્ટર અને મિસાઈલોના રિપેરિંગની જવાબદારી સંભાળશે. સલોનીના માતા-પિતાનું કહેવું છે કે, તેમના પરિવારમાંથી કોઈ આર્મીમાં નથી.

એવામાં દીકરીનું સપનું પુરું કરવાને લઈને અમે થોડા પરેશાન હતા, પરંતુ જ્યારે ઈંદોરમાં શરૂ થનારી એક એકેડમીની જાણકારી મળી, તો તેમાં તૈયારી માટે તેનું એડમિશન કરાવી દીધું.

સલોનીના પેરેન્ટ્‌સે જણાવ્યું કે, તૈયારી દરમિયાન સલોની ૭ વખત પરીક્ષા આપી હતી, પરંતુ તેને સફળતા મળી ન હતી પરંતુ તેણે નક્કી કરી લીધું હતું કે સપનું પુરું કરવું છે. તે સફળતા મેળવવા માટે સતત પ્રયાસ કરી રહી હતી. એનું જ પરિણામ છે કે, તેની ભારતીય વાયુસેનામાં પસંદગી થઈ છે. પરિવારના લોકોએ જણાવ્યું કે, તે નિષ્ફળતાથી ક્યારેય નિરાશ થઈ ન હતી.

સલોની શુક્લાએ કહ્યું કે, સફળતાનો કોઈ શોર્ટકટ નથી હોતો અને એક જ શરત છે જે તમે સપના જુઓ છો તેને પુરું કરવા માટે તમારે સતત કામ કરતા રહેવું પડે છે. સલોનીના પિતાએ કહ્યું કે, અમને ઘણી ખુશી છે કે, આવનારા સમયમાં તે સેનામાં રહીને દેશની સેવા કરશે. ઉલ્લેખનીય છે કે, સલોનીના માતા-પિતા બંને સરકારી નોકરી કરે છે.

વર્ષ ૨૦૦૯માં જ્યારે તેમનું પોસ્ટિંગ ગુજરાતના ભુજમાં થયું હતું ત્યારે ત્યાં રહેતા સેનાના અધિકારીઓથી પ્રભાવિત થઈ સલોનીએ આર્મીમાં જવાનો નિર્ધાર કરી લીધો હતો અને ત્યારથી તે સતત તે માટેની તૈયારી કરવામાં લાગી ગઈ હતી. સલોનીના પરિવારમાં દીકરીની સફળતાને લઈને ખુશીની લહેર છે.

સલોનીની દાદી પોતાની પૌત્રીની સફળતાથી ગર્વ અનુભવી રહ્યા છે. ખુશીથી તેમની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા અને તેઓ આ ભાવનાને શબ્દોથી વ્યક્ત ન કરી શક્યા. સલોનીનો પરિવાર હવે એ ગૌરવશાળી પળની રાહ જાેઈ રહ્યો છે, જ્યારે સલોની એરફોર્સની વર્દી પહેરી તેમની સમક્ષ આવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.