ઈન્દોર: લિફ્ટ પલટી જતા ટોલ પ્લાઝા કંપનીના માલિક અને પરિવારના 5નાં મોત
ઈન્દોર, આખો દેશ નવા વર્ષના આગમનની રાહ જોઈને ખુશીઓ મનાવી રહ્યો હતો ત્યારે ઈન્દોરમાં એક લિફ્ટ પલટી જવાના કારણે એક જાણીતા કંપનીના સીઈઓ અને તેમના પરિવારના પાંચ સભ્યોના મોત થતા ઉજવણી શોકમાં પલટાઈ ગઈ હતી. ટોલ પ્લાઝા કંપની પાથ ઈન્ડિયાના માલિક પુનિત અગ્રવાલ અને તેમનો પરિવાર થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા ઈન્દોર પાસેના ફાર્મ હાઉસમાં પહોંચ્યા હતા. તેઓ મંગળવારે સાંજે ફાર્મ હાઉસના ટાવર પર લાગેલી લિફ્ટ પર પ્રાકૃતિક દ્રશ્ય જોવા માટે પરિવાર સાથે સવાર થયા હતા અને તે જ વખતે 70 ફૂટ ઉંચાઈએ અચાનક જ લિફ્ટ પલટી ગઈ હતી.જેના કારણે પરિવારના તમામ સભ્યો નીચે પટકાયા હતા.
ફાર્મ પરના કર્મચારીઓમાં આ અકસ્માતના પગલે દોડધામ મચી ગઈ હતી.પરિવારના સભ્યોને હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જોકે 53 વર્ષીય પુનીત અગ્રવાલ, તેમની 27 વર્ષની પુત્રી પલક, પલકના પતિ પલકેશ અગ્રવાલ, 3 વર્ષના તેમના પુત્ર તથા બીજા બે સબંધીઓ 40 વર્ષના ગૌરવ અને 11 વર્ષના આર્યવીરનુ મોત થયુ હતુ.જ્યારે ગૌરવના પત્ની નીધિ ગંભીર રીતે ઘાયલ છે. પુનીત અગ્રવાલની કંપની પાથ ઈન્ડિયા પીપીપી મોડેલની સ્થાપના કરનાર ગણાય છે.આ કંપની દેશભરમાં ટોલ પ્લાઝાનુ નિર્માણ કરે છે.તેમની કંપની અત્યાર સુધીમાં સેંકડો હાઈવેનુ પણ નિર્માણ કરી ચુકી છે.