Western Times News

Gujarati News

ઈન્સ્ટન્ટ લોન એપથી લોન લેનારા પાસેથી ૨૦૦ ટકા વ્યાજ વસૂલાયું

અમદાવાદ, કોરોના મહામારીનો કપરોકાળ લોન કંપનીઓ માટે આફતમાં અવસર બનીને આવી હતી. ખાસ કરીને ઈન્સ્ટન્ટ લોન આપતી એપ્લિકેશનોને તો બખ્ખાં-બખ્ખાં થઈ ગયા છે. છેલ્લા ૨ વર્ષમાં લગભગ ૧૪ ટકા ભારતીયોએ ઇન્સ્ટન્ટ લોન એપ દ્વારા લોન લીધી છે. તેમાંથી લગભગ ૫૮ ટકા લોકો પાસેથી ૨૫ ટકાથી વધુ વાર્ષિક વ્યાજ વસૂલવામાં આવ્યું હતું.

લોકલસર્કલ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ૫૪ ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે લોનની પરત ચૂકવણી દરમિયાન તેમની પાસેથી છેતરપિંડી કરવામાં આવી હતી અથવા તેમની લોન અને વ્યાજના ડેટા સાથે છેડછાડ કરવામાં આવી હતી. આ સર્વેમાં ૪૦૯ જિલ્લામાં રહેતા ૨૭,૫૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો. સર્વેમાં સામેલ કુલ લોકોમાંથી ૪૭ ટકા લોકો ટિયર ૧ શહેરોમાં અને ૩૫ ટકા ટાયર ૨ શહેરોમાં રહેતા હતા. આ સિવાય ૧૮ ટકા લોકો ટાયર ૩ અને ૪ અને ગ્રામીણ વિસ્તારના હતા.

સર્વેમાં સામેલ ૨૬ ટકા લોકોએ કહ્યું કે તેમની પાસેથી ૧૦-૨૫ ટકા વ્યાજ વસૂલવામાં આવે છે. ૧૬ ટકાએ કહ્યું કે વ્યાજ દર ૨૫-૫૦ ટકા સુધી છે. ૨૬ ટકા લોકોએ કહ્યું કે તેમની પાસેથી ૧૦૦-૨૦૦ ટકાના દરે વ્યાજ વસૂલવામાં આવે છે. તે જ સમયે ૧૬ ટકા લોકોએ વ્યાજ દર ૨૦૦ ટકાથી વધુ હોવાનું જણાવ્યું હતું. આ રીતે કુલ ૫૮ ટકા લોકોએ સ્વીકાર્યું કે તેમની પાસેથી વાર્ષિક ૨૫ ટકાથી વધુ વ્યાજ વસૂલવામાં આવે છે.

સર્વેમાં સામેલ ૧૪ ટકા લોકોએ કહ્યું કે તેઓ અથવા તેમના પરિવારના કોઈએ અથવા તેમના માટે કામ કરતા કોઈ વ્યક્તિએ ઈન્સ્ટન્ટ લોન એપ દ્વારા લોન લીધી છે. રસપ્રદ વાત એ પણ છે કે આવી મોટાભાગની એપ્લિકેશનો કોરોના વાયરસે સર્જેલ મહામારી દરમિયાન બનાવવામાં આવી હતી.

આ કપરાકાળમાં લોકોને અચાનક નોકરી ગુમાવતા અથવા અન્ય કોઈપણ કટોકટીની પરિસ્થિતિ માટે પૈસાની જરૂર હતી અને ઇન્સ્ટન્ટ એપ તેમની આ જરૂરિયાત પુરૂં કરતું હતુ. જાેકે તેના બદલામાં ઘણા કેસોમાં ઋણધારકો પાસેથી ૪૦૦-૫૦૦ ટકા વ્યાજ વસૂલવામાં આવ્યું હતું. ગ્રાહકોનું કહેવું છે કે ૩૦૦૦-૫૦૦૦ રૂપિયાની લોન માટે ૩૦-૬૦ ટકા વ્યાજ વસૂલવામાં આવે છે.

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આ પ્રકારની ઈન્સ્ટન્ટ લોન એપની વધતી જતી માંગ અને વ્યાપને ધ્યાનમાં રાખીને ગત સપ્તાહે જ ચેતવણી આપતા કહ્યું હતુ કે કેન્દ્રીય બેંક ટૂંક સમયમાં ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મને નિયંત્રિત કરવા માટે નિયમો લાવશે. તેમણે કહ્યું હતું કે આવી મોટાભાગની એપ ગેરકાયદે અને અનધિકૃત ચાલી રહી છે. આરબીઆઈએ લોકોને અપીલ પણ કરી હતી કે જાે કોઈ પઠાણી ઉઘરાણી કરે હેરાનગતિ કરવામાં આવે તો પોલીસ ફરિયાદ કરવી જાેઈએ.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.