ઈન્સ્ટન્ટ લોન એપ્સની જાળમાં ફસાનારા ત્રણે આત્મહત્યા કરી
નવી દિલ્હી, કોરોના મહામારી અને તેને પગલે કરાયેલા લોકડાઉનને ઘણા લોકોની મુશ્કેલીઓ વધારી દીધી. તેલંગણાનો ૨૮ વર્ષનો પી સુનિલ નામનો યુવાન પણ તેમાંથી એક હતો. તેની નોકરી જતી રહી હતી. તેણે ઘર ચલાવવા લોન લીધી અને દેવાની જાળમાં ફસાઈ ગયો. એ લોનના હપ્તા ભરવા તેણે ઝડપી લોન ઓફર કરતી જુદી-જુદી એપ્સ પરથી લોનો લીધી. જાેકે, તે દેવાની જાળમાં વધુ ફસાતો ગયો અને રિકવરી એજન્ટો તેની પાછળ પડી ગયા. તેને મેસેજ મોકલવા લાગ્યા અને તેના કોલ લિસ્ટમાં જેટલા નંબર હતા તેના પર ફોન કરવા લાગ્યા. ગત સપ્તાહે સુનિલે આ હેરાનગતિથી ત્રાસી આત્મહત્યા કરી લીધી. સુનિલ ઉપરાંત અન્ય બે લોકોએ પણ આવી એપ્સના માધ્યમથી લોન લીધી હતી અને દેવાની જાળમાં ફસાયા બાદ આત્મહત્યા કરી લીધી હતી.
ઈન્દોરમાં પણ એક મહિલાએ એક એપના માધ્યમથી ૨૦ હજાર રૂપિયાની લોન લીધી હતી. તે એક દિવસ માટે હપ્તો ભરવાનું ચૂકી ગઈ અને તેની મુશ્કેલી શરૂ થઈ ગઈ. તેણીએ જણાવ્યું કે, એ લોકોએ (રિકવરી એજન્ટોએ) મારા ફોટા શેર કરવાનું શરૂ કરી દીધું, મને ફ્રોડ કહેવાનું શરૂ કરી દીધું. તેમણે મને ધમકી આપી અને પોલીસને જાણ કરવાની ચીમકી આપી અને કહ્યું કે, મારા ઘરે કલેક્શન એજન્ટોને મોકલશે. તેઓ મારા કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા લોકોને હેરાન કરવા લાગ્યા. આ ઉપરાંત પણ અન્ય એક વ્યક્તિએ ઈન્સ્ટન્ટ લોન એપ્સના રિકવરી એજન્ટોથી ત્રાસીને આત્મહત્યા કરી લીધી હતી.
મુશ્કેલીના સમયમાં આ ઈન્સ્ટન્ટ લોન આપતી એપ્સ આકર્ષક લાગે છે. પરંતુ, આ ઝડપી લોનનું ‘ચક્કર’ ઘણા બધા લોકોને દેવાની એવી જાળમાં ફસાવી દે છે કે જેનાથી તેમની આર્થિક સ્થિતિ લોન લેતા પહેલા હતી તેના કરતા ખરાબ બની જાય છે. લોન આપતી એપ્સ દ્વારા રખાયેલા રિકવરી એજન્ટોની હેરાનગતિથી કેટલાક લોકો આત્મહત્યાનું પગલું ભરી લે છે, તો કેટલાક પોલીસની મદદ લઈ રહ્યા છે. જ્યારે બીજી તરફ આ લોન આપતી એજન્સીઓ કાયદાની છટકબારીઓ શોધવામાં લાગી ગઈ છે જેથી આવનારી કાયદાકીય મુશ્કેલીઓમાંથી બચી શકાય.
મંગળવારે, સાયબરાબાદ અને હૈદરાબાદ પોલીસે હૈદરાબાદ અને ગુરુગ્રામમાંથી ૧૯ લોકોની ધરપકડ કરી છે, જેઓ દેશવ્યાપી મની-લેન્ડિંગ એપ્સનું કૌભાંડ ચલાવી રહ્યા હતા. આ રેકેટમાં ચીનની કંપનીઓ સામેલ હોવાની આશંકા વ્યક્ત કરતા હૈદરાબાદ પોલીસે જણાવ્યું કે, ૨૦ એપ્સના લગભગ કરોડો રૂપિયાના આ મની-લેન્ડિંગ રેકેટમાં ઈડી અને આઈટી ડિપાર્ટમેન્ટ પણ ટૂંક સમયમાં તપાસમાં જાેડાશે. સાયબરાબાદ પોલીસ કમિશનરે જણાવ્યું કે, અમે બેંકોને પત્ર લખ્યો છે અને ૧૮ બેંક અકાઉન્ટ ફ્રીજ કરી દીધા છે, જેમાં ૧૫ કરોડથી વધુ રૂપિયા છે.
તેલંગણામાં આ મહિનામાં ત્રણ લોકો આત્મહત્યા કરી ચૂક્યા છે. સિદ્દિપેટમાં એગ્રીકલ્ચર એક્સ્ટેન્શન ઓફિસર ૨૪ વર્ષના કે મોનિકાએ ૩ લાખ રૂપિયાની લોન લીધી હતી અને તે ભરી ન શકતા એપ કંપનીએ તેમને ડિફોલ્ટર તરીકે ચિતરવાનું શરૂ કરી દીધું અને તેમનો ફોટો, નામ અને ટેલિફોન નંબર સોશિયલ મીડિયા પર શેર કરી દીધા. ૧૬ ડિસેમ્બરે તેમણે આત્મહત્યા કરી લીધી. એ જ દિવસે હૈદરાબાદમાં પી સુનિલે આત્મહત્યા કરી હતી. પોલીસે કહ્યું કે, દેશભરમાં હજારો લોકોને ફસાવાયા છે.SSS