Western Times News

Gujarati News

ઈન્સ્યોરન્સ કંપનીના મેનેજર અને એજન્ટે વ્યક્તિને જીવિત બતાવી વીમા પકવવાનું કૌભાંડ ઝડપાયું

જામખંભાળિયા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મરણ ગયેલ વ્યક્તિને જીવિત બતાવી લાખો રૂપિયાનું વીમા પકવવાનું કૌભાંડ પકડાયું હતું. એસઓજીની ટીમે રિલાયન્સ નિપોન ઈન્સ્યોરન્સ કંપનીના મેનેજર અને એજન્ટ સહિત ચારની ધરપકડ કરી હતી.

મળતી માહિતી મુજબ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના શેઢા ભાળથર ગામે રહેતા મેરામણ નથુભાઈ ઓડેદરાના પિતા નથુભાઈ ઓડેદરા વર્ષ ર૦૧૧માં અવસાન પામ્યા હતા બાદમાં મેરામણે પોતાના મૃતક પિતાના નામે ૩,૮ર,૩૦૦નો વીમો વર્ષ ર૦૧પમાં લેવામાં આવ્યો હતો.

ત્યારબાદ વર્ષ ર૦૧૮માં આરોપી મેરામણે તેમના પિતાને મૃત જાહેર કરી મરણનો ખોટો દાખલો આપી આ વીમાની રકમ કલેમ કરવામાં આવી હતી. આવી જ રીતે અન્ય કલ્યાણપુર તાલુકાના ધતુરિયા ગામના રહીશ સ્વ. માલીબેન મશરીભાઈ ભોચિયાનો રૂ.૪,૯૯,૦૦૦નો વીમો કલેમ કરાયો હતો.

આ ઉપરાંત ખંભાળિયાના કેશોદ ગામના સ્વ. રવીકુમાર અરશીભાઈ બોદરનો પણ રૂ.૧,૭૪,૦૦૦નો વીમો ઉતારી ઈન્સ્યોરન્સ માટે કલેમ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે રિલાયન્સ નિપોન ઈન્સ્યોરન્સના સિનિયર એકઝિકયુટીવ વાસુદેવ દિગંબર પુંડલિક તિકમે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ સંદર્ભે દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે તથા ડી.વાય.એસ.પી. હિરેન્દ્ર ચૌધરીઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ઈન્ચાર્જ પીઆઈ પી.સી. સિગરખિયા ટીમ સાથે આ સમગ્ર પ્રકરણ અંગે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસ દરમિયાન પોલીસે આ કૌભાંડ આચરનાર આરોપી ઉમેશ નરશી સંચાણિયા, અરજણ ભીખા આંબલિયા, મેરામણ નથુ ઓડેદરા તથા મશરી ઉકા ભોચિયા નામના ચાર શખસની વિધિવત રીતે ધરપકડ કરી આગળની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.