Western Times News

Gujarati News

ઈપલોડા દૂધ મંડળીના ગ્રાહકોમાં આક્રોશ : કૌભાંડ થતા કસ્ટોડીયનની નિમણુક કરી કસ્ટોડીયને માલ સગેવગે કર્યો હોવાનો આક્ષેપ

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લામાં મોટા ભાગની દૂધ મંડળીઓ અને સહકારી મંડળીઓ વિવાદના વમળોમાં ફસાતી હોય છે ત્યારે મેઘરજ તાલુકાના ઇપલોડા દુધ મંડળીમાં વર્ષ-૨૦૧૮માં ઉચાપત અને કૌભાંડના મુદ્દે મંડળીના સભાસદો અને ચેરમેન-સેક્રેટરી વચ્ચેના વિવાદમાં કસ્ટોડીયન નીમાયા હતા પરંતુ સભાસદોની જાણ બહાર  જિલ્લા રજીસ્ટ્રારને મંડળીનો અહેવાલ સુપ્રત કરતા બુધવાર રાત્રે સભાસદો દ્વારા દૂધ મંડળીને તાળાબંધી કરી મંડળીમાં દુધ ભરાવવાનુ બંધ કરી કસ્ટોડીયન સામે સભાસદોએ વિરોધ નોંધાવ્યો હતો દૂધ મંડળીના ગ્રાહકો મોટી સંખ્યામાં મેઘરજ પોલીસ સ્ટેશન પહોંચી કસ્ટોડીયને ડેરીનો માલ સગેવગે કર્યો હોવાના આક્ષેપ સાથે કસ્ટોડીયન સામે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથધરી હતી સહકારી માળખામાં ખળભળાટ મચ્યો છે દૂધમંડળીના ગ્રાહકોએ ન્યાયની માંગ કરી કસ્ટોડીયન ગ્રાહકોને તમારાથી થાય તે કરી લો ની ધમકી આપી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો


ઇપલોડા દૂધ મંડળીના ગ્રાહકો મોટી સંખ્યામાં મેઘરજ પોલીસ સ્ટેશન પહોંચી કૌભાંડીઓ અને કસ્ટોડીયન સામે ગુન્હો નોંધવાની સાથે નીચે થી ઉપર સુધી ભ્રષ્ટાચાર ખદબદતો હોવાનો આક્ષેપ કર્યો હતો અને ગ્રાહકોના લાખ્ખો રૂપિયા ચાઉં થઇ ગયા પછી પણ કોઈ કાર્યવાહી ન થતા ગ્રાહકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે

શું છે સમગ્ર મામલો :     મેઘરજ તાલુકાના ઇપલોડા ગામની ઈપલોડા દુધ ઉત્પાદક સ.મંડળીમાં અપ્રિલ-૨૦૧૮ વર્ષથી  ઊચાપત અને કૌભાંડ મૂદ્દે વિવાદ ચાલી રહ્યો છે આ અંગે જીલ્લા રજીસ્ટ્રાર અને કલેક્ટરને ગ્રામજનોએ આવેદનપત્ર આપતા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા વિવાદિત મંડળીના વહીવટ માટે સાબરડેરીના સી. ઓફિસરની નીમણુક કરવામાં આવી હતી. જે વહીવટદારે જિલ્લા રજિસ્ટ્રારને રીપોર્ટ કર્યો હતો કે તા. ૬ જુલાઈ ૨૦૨૦ના રોજ જિલ્લા રજિસ્ટ્રાર અને કલેક્ટરને આપવામાં આવેલ આવેદનમાં કરવામાં આવેલ સભાસદોની સહીઓ અને રજુઆત ખોટી છે અને રીપોર્ટ પણ ખોટો છે તેવો ખોટો અહેવાલ જિલ્લા રજિસ્ટ્રારને મોકલતા સભાસદોમાં ઉગ્ર રોષ ફેલાયો છે

બુધવારે મોડીરાત્રીએ ગ્રામજનો અને સભાસદો મંડળીમાં એકત્ર થઈ કથળેલા દૂધ મંડળીના વહિવટથી ત્રસ્ત આવી દુધ મંડળીને તાળાબંધી કરી હતી અને જ્યા સુધી કસ્ટોડિયન યોગ્ય અને ન્યાયિક રીપોર્ટ રજુ ન કરે ત્યાં સુધી દૂધ મંડળીનું તાળુ ખોલવામાં આવશે નહી તેવુ સભાસદોએ જણાવ્યુ હતુ. તેમજ કસ્ટોડિયને સભાસદોની જાણ બહાર જિલ્લા રજિસ્ટ્રારને બારોબાર અહેવાલ સુપરત કરી દેવાતા સભાસદોમાં ઊગ્ર રોષ ફેલાયો છે અને  આ વિવાદનો યોગ્ય અંત ન આવે અને સભાસદોને યોગ્ય ન્યાય ન મળે તો ફરીથી જિલ્લા રજિસ્ટ્રાર અને ઉચ્ચ કક્ષાએ આવેદન આપી રજુઆત કરવાની પણ ગ્રામજનોએ ચીમકી ઊચ્ચારી હતી. તેમ છતાં ગ્રાહકોને ન્યાય નહિ મળતા ત્રણ થી વધુ ટ્રેકટરમાં મેઘરજ પોલીસ સ્ટેશને પહોંચી કસ્ટોડીયન સામે ગુન્હો નોંધવા ઉગ્ર માંગ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.