ઈમરજન્સીના કાળા દિવસોને ક્યારેય ભુલી નહીં શકાય : વડાપ્રધાન મોદી

નવીદિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈમરજન્સીની વરસી પર ટ્વીટ કરતા કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ઈમરજન્સીના એ કાળા દિવસોને ક્યારેય ભુલી નહીં શકાય. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, “ઈમરજન્સીના કાળા દિવસોને ક્યારેય ભુલી નહીં શકાય. ૧૯૭૫થી ૧૯૭૭ વખતે આપણા દેશે જાેયું કે કયા પ્રકારે સંસ્થાઓનો વિનાશ કરવામાં આવ્યો.” તેની સાથે જ પીએમ મોદીએ લખ્યું કે આવો આપણે સંકલ્પ કરીએ કે ભારતની લોકતાંત્રિક ભાવનાઓને વધારે મજબૂત બનાવી રાખવા માટે દરેક સંભવ પ્રયત્નો કરીએ. અને સંવિધાનમાં નક્કી કરેલા મૂલ્યો અનુસાર તે કરીએ.
તેની સાથે જ પીએમ મોદીએ ટ્વીટમાં બીજેપી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની એક લિંક પણ શેર કરી છે. આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં તસ્વીરો દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે ઈમરજન્સી સમયે ગુરુદત્તની ફિલ્મો, કિશોર કુમારના ગીતો પર પણ બેન લગાવી દેવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે ૨૫ જૂન ૧૯૭૫માં પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીએ દેશમાં ઈમરજન્સી લાગુ કરી હતી. તે સમયે વિપક્ષના તમામ નેતાઓને જેલમાં પુરી દેવામાં આવ્યા હતા અને પ્રેસની સ્વતંત્રતા પર પણ અંકુશ લગાવવામાં આવ્યો હતો.
બીજેપી સહિત તમામ કોંગ્રેસ સિવાયના પક્ષો ઘણી વખત ઈમરજન્સીને લઈને કોંગ્રેસ પર હુમલો બોલે છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે, એક પરિવારના વિરોધમાં ઉઠેલા સ્વરોને કચડવા માટે થોપવામાં આવેલી ઈમરજન્સી આઝાદ ભારતના ઈતિહાસનો એક કાળો અધ્યાય છે. ૨૧ મહિનાઓ સુધી ર્નિદયી શાસનની ક્રૂર યાતનાઓ સહીને દેશના બંધારણ અને લોકશાહીની રક્ષા માટે નિરંતર સંઘર્ષ કરનારા તમામ દેશવાસીઓના ત્યાગ અને બલિદાનને નમન.
ગૃહ મંત્રી અમિત શાહે લખ્યું હતું કે, ૧૯૭૫માં આજના દિવસે જ કોંગ્રેસે સત્તાના સ્વાર્થ અને અહંકારવશ દેશ પર ઈમરજન્સી થોપીને વિશ્વની સૌથી મોટી લોકશાહીની હત્યા કરી દીધી હતી. અસંખ્ય સત્યાગ્રહીઓને રાતોરાત જેલની કાળકોટડીમાં કેદ કરીને પ્રેસ પર તાળા જડી દેવામાં આવ્યા હતા. નાગરિકોના મૌલિક અધિકાર છીનવીને સંસદ અને ન્યાયાલયને મૂકદર્શક બનાવી દેવામાં આવ્યા હતા.