ઈમરાનખાનને પીએમ પદ છોડવા 31મી સુધીનું મળ્યું અલ્ટિમેટમ
ઇસ્લામાબાદ, પાકિસ્તાનની વિપક્ષી પાર્ટીઓએ વડાપ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ પોતાના અભિયાનને તેજ કરી દીધુ છે. પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી (PPP)નાં અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો જરદારીએ ચેતવણી આપતા કહ્યુ કે, જો 31 જાન્યુઆરી સુધી ઇમરાન ખાન પદ નહીં છોડે તો પીડીએમ ઇસ્લામાબાદ તરફ કુચ કરશે. તો મરિયમ નવાઝે કાશ્મીર અને સિયાચિનમાં મળેલી હારને લઈને પાકિસ્તાન સેનાની ટીકા કરી છે.
તેમણે કહ્યું, ઇમરાન ખાનની પાર્ટીને પાકિસ્તાની સેના અને આઈએસઆઈના ઇશારા પર આ દળને ચૂંટાયેલી સરકાર વિરુદ્ધ ધરણા અને ષડયંત્રમાં ઉપયોગ કરવામાં આવ્યો. પરંતુ યાદ રાખો વિચારધારાને ફાંસી કે દેશનિકાલ નહીં કરી શકાય.
પાકિસ્તાનના વિવાદાસ્પદ પ્રધાન શેખ રશીદે વિપક્ષને ખાસ કરીને નવાઝ શરીફને પૂર્વ તાનાશાહ જનરલ જિયાઉલ હકના જૂતા પોલિશ કરનાર ગણાવ્યા છે. તેમણે દાવો કર્યો કે, પાકિસ્તાની સેના પહેલા ક્યારેય દેશની રાજનીતિમાં સામેલ રહી છે અને ન ભવિષ્યમાં રહેશે.
અત્રે ઉલ્લેખનિય છે કે પીડીએમ 11 વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન છે. પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોની પુણ્યતિથિ નિમિતે આયોજીત રેલીને સંબોધિત કરતા બિલાવલે ઇમરાન સરકારને જરૂરી વસ્તુઓના ભાવ વધારા માટે જવાબદાર ઠેરવી છે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂન પ્રમાણે બિલાવલે કહ્યુ, ‘કઠપુતળી પ્રધાનમંત્રીને લોકો સાથે જોડાયેલા મુદ્દાની કોઈ ચિંતા નથી. તેની પાછળનું કારણ છે કે તે મતો દ્વારા સત્તામાં આવ્યા નથી.’
તેમણે કહ્યું, ‘બેનઝીર આજે તમામ દિલોમાં જીવિત છે. જે લોકો તેમની સાથે ટકરાયા, તે સમાપ્ત થઈ ગયા. જનરલ જિયા ઉલ હકની કબર પર કોઈ જતું નથી અને પરવેઝ મુશર્રફ વિદેશમાં અપમાનનું જીવન જીવવા માટે મજબૂર છે.’ બિલાવલે કહ્યુ કે, એક વ્યક્તિને કેદ કરી શકાય છે, વિચારધારાને નહીં. મહત્વનું છે કે ચૂંટણીમાં ગોટાળા, ભ્રષ્ટાચાર અને પાકિસ્તાની સેનાના સર્ચસ્વના આરોપો વચ્ચે પીડીએમ ઇમરાન સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહી છે.
પીડીએમના પ્રમુખ મૌલાના ફઝર્લુર રહમાને સોમવારે કહ્યુ કે, ગઠબંધન નેતાઓની આગામી બેઠક એક જાન્યુઆરીએ લાહોરમાં યોજાશે. જીયો ન્યૂઝે વિપક્ષી પાર્ટીઓનો જમાવડો પીએમએલ-એનના ઉપાધ્યક્ષ મરિયમ નવાઝના ઘરે યોજવાના સંકેત આપ્યા છે. આ દરમિયાન ઇમરાન સરકાર વિરુદ્ધ આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે.