ઈમરાનની નજીકના મહિલા નેતાએ વિપક્ષી સાંસદનેે તમાચો માર્યો
ઇસ્લામાબાદ: સમગ્ર વિશ્વની ન્યૂઝ ચેનલ્સ પર ચર્ચા દરમિયાન પેનલિસ્ટ્સ વચ્ચે ઉગ્ર વિવાદ હવે ખૂબ જ સામાન્ય થઈ ગયો છે. જાેકે પાકિસ્તાનમાં જેટલું ન બને એટલું ઓછું એમ કહી શકાય. પાકિસ્તાનમાં ન્યૂઝ ચેનલ પર લાઈવ શો દરમિયાન ચર્ચા થઈ રહી હતી તે સમયે સત્તાધારી નેતાને ગુસ્સો આવતા તેમણે વિપક્ષી નેતાને લાઈવ શોમાં જ થપ્પડ મારી દીધી હતી.
ટીવી ડિબેટમાં થયેલી મારપીટનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને પાકિસ્તાનના લોકો પણ તેની ટીકા કરી રહ્યા છે. પાકિસ્તાનની કોઈ ખાનગી ન્યૂઝ ચેનલ પર રાજકીય મુદ્દે ચર્ચા ચાલી રહી હતી તે સમયે આ ઘટના બની હતી. તેમાં સત્તાધારી અને વિપક્ષી દળોના નેતા ઉપસ્થિત હતા. ચર્ચા દરમિયાન ત્યાં ઉપસ્થિત પંજાબના મુખ્યમંત્રીના વિશેષ સહાયક (સૂચના) ડૉ. ફિરદૌસ આશિક અવાન વિપક્ષી પીપીપી એમએનએના સાંસદ કાદિર મંદોખેલ સાથે ઉલઝી પડ્યા હતા. બંને વચ્ચેનો વિવાદ એટલો વકરવા લાગ્યો કે ડૉ. ફિરદૌસે કાદિર સાથે ગાળાગાળી ઉપરાંત તેમને થપ્પડ પણ મારી દીધી.
બંને નેતાઓ વચ્ચે ભ્રષ્ટાચાર મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો અને તે સમયે કાદિરે ફિરદૌસની પાર્ટી અને નેતાઓ પર ભ્રષ્ટાચારના અનેક આરોપો લગાવ્યા હતા. આ કારણે ફિરદૌસનો પિત્તો છટક્યો હતો. વીડિયો ક્લિપમાં ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના નેતા ડૉ. ફિરદૌસ વિપક્ષી નેતા મંદોખેલને ગાળ આપતા જાેવા મળે છે અને થોડા સમય બાદ ગાલ પર થપ્પડ મારતા પણ જાેવા મળે છે. વાત એટલી હદે વધી ગઈ હતી કે ત્યાં સ્ટુડિયોમાં ઉપસ્થિત લોકોએ બંનેને પકડીને અલગ કર્યા હતા.