ઈમરાનની ભૂતપૂર્વ પત્ની રેહમની કાર પર ફાયરિંગ

ઈસ્લામાબાદ, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને કરેલા દાવા પ્રમાણે કેટલાક લોકોએ તેની કાર પર હુમલો કર્યો હતો. એટલું જ નહીં, રેહમ ખાને આ હુમલાને લઈ પોતાના પૂર્વ પતિ અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પર નિશાન સાધીને સવાલ કર્યો છે કે, શું આ જ નવું પાકિસ્તાન છે?
રેહમ ખાને પોતે જ પોતાના પર થયેલા હુમલાની જાણકારી આપી હતી. તેમણે ટિ્વટમાં લખ્યું હતું કે, તેઓ પોતાના ભત્રીજાના લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા તે સમયે બાઈક પર આવેલા ૨ લોકોએ તેમની કાર પર ફાયરિંગ કર્યું હતું. તેમણે રેહમ ખાનની ગાડીને રોકવાનો પ્રયત્ન કર્યો હતો અને તે સમયે રેહમ ખાનનો સુરક્ષાકર્મી અને ડ્રાઈવર પણ કારમાં જ હતા. બાદમાં તેમણે પોતાની ગાડી બદલી હતી. રેહમે સવાલ કર્યો હતો કે, શું આ જ નવું પાકિસ્તાન છે? લૂંટારાઓ, કાયરો અને લોભીઓના દેશમાં તમારૂં સ્વાગત છે.
અન્ય એક ટિ્વટમાં રેહમ ખાને લખ્યું હતું કે, ‘હું એક સામાન્ય નાગરિકની માફક પાકિસ્તાનમાં જ જીવવા અને મરવા ઈચ્છું છું. ભલે મારી પર હુમલો થાય, કે પછી રસ્તા વચ્ચે કાયદા અને વ્યવસ્થાની વાત હોય, આ તથાકથિત સરકારે આની જવાબદારી લેવી જાેઈએ. હું મારા દેશ માટે ગોળી ખાવા માટે પણ તૈયાર છું. હું મોત કે ઈજાથી નથી ડરતી પરંતુ હું એ લોકો માટે ચિંતિત છું જે મારા માટે કામ કરે છે.’
રેહમ ખાન ઈમરાન ખાનના મોટા આલોચકોમાંથી એક ગણાય છે. તે હંમેશા ઈમરાન ખાન સરકાર પર નિશાન સાધતી રહે છે. તે સોશિયલ મીડિયા પર મોંઘવારી, પાકિસ્તાની રૂપિયાની કિંમતમાં ઘટાડો, હુમલા જેવા તમામ મુદ્દે ઈમરાન સરકારને ઘેરી ચુકી છે.SSS