ઈમરાને પંજાબમાં પોતાના સીએમને હટાવી સાથી પક્ષને ખુરશી સોંપી દીધી

ઈસ્લામાબાદ, પાકિસ્તાનના પીએમ ઈમરાનખાન હવે પોતાની ખુરશી બચાવવા માટે ધમપછાડા કરી રહ્યા છે. ઈમરાનખાને આ માટે સોદાબાજી શરૂ કરી છે. જેના ભાગરૂપે પંજાબ પ્રાંતના મુખ્યમંત્રીની ખુરશી પોતાની પાર્ટીના નેતાને હટાવીને પોતાના સહયોગી પક્ષના નેતા પરવેઝ ઈલાહીને આપી દીધી છે. ઈલાહી પાકિસ્તાનની મુસ્લિમ લીગ કાયદના નેતા છે. આ પાર્ટી ઈમરાનની પાર્ટી તહેરીક એ ઈન્સાફની સહયોગી છે. સંસદમાં ઈલાહી પાસે પાંચ સાંસદ છે.
ઈલાહીને સીએમ બનાવવા માટે ઈમરાનની પાર્ટીના નેતા ઉસ્માન બજદરે પંજાબના સીએમની ખુરસી ખાલી કરી છે.
સાથે સાથે ઈમરાને નારાજ ચાલી રહેલી મુત્તાહિદા કોમી મૂવમેન્ટ પાકિસ્તાન નામની પાર્ટીને પોતાની સાથે લાવવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે. પાક મીડિયાના કહેવા પ્રમાણે આ પાર્ટીનુ સમર્થન મેળવવામાં ઈમરાનને સફળતા મળી છે. આ માટે મુત્તાહિદા કોમી મૂવમેન્ટ પાર્ટીને ઈમરાનખાન પોતાની પાર્ટીમાં મેરિટાઈમ મિનિસ્ટ્રી આપવા માટે રાજી થઈ ગયા છે.
દરમિયાન પોતાની પાર્ટીના બળવાખોર નેતાઓને મનાવવા માટે પણ ઈમરાનખાન પ્રયત્ન કરી રહ્યા છે. પાકિસ્તાનમાં હાલમાં અફવાઓનુ બજાર ગરમ છે. ઈમરાનખાનની સરકારનો ખતરો હજી ટળ્યો નથી. સોમવારે તેમની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ થયો છે.
સંસદનુ આગામી સત્ર ૩૧ માર્ચે મળનાર છે. સંસદમાં ૩૪૨ બેઠકો છે અ્ને ઈમરાનને પોતાની સરકાર બચાવવા માટે ૧૭૨ વોટની જરૂર છે. ઈમરાનખાનની પાર્ટી પાસે પોતાના ૧૫૫ સભ્યો છે પણ તેમાંથી ૨૪ સાંસદો બાગી તેવર દેખાડી રહ્યા છે અને તેમના સાથી પક્ષો પણ નારાજ છે.SSS