ઈમરાન સરકારે ચીનના બીગો પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો
ઈસ્લામાબાદ, પાકિસ્તાન ટેલિકમ્યુનિકેશન ઓથોરિટીએ ચીનની લાઈવ સ્ટ્રીમિંગ એપ બીગોને બ્લોક કરી છે. ભારત પછી પાકિસ્તાનમાં પણ ચીનની સોશિયલ મીડિયા એપ ટિકટોકને બેન કરવામાં આવી શકે છે. આ માહિતી પીટીએે આપી છે. આ બંને એપ્સથી દેશમાં અશ્લીલતા ફેલાતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ભારતે ગત મહિને ટિકટોક સહિત ચીનની ૫૯ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. પછીથી પાકિસ્તાનમાં પણ તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરાઈ હતી પીટીએએ એક નિવેદન બહાર પાડ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું- ચીનની એપ્સ દ્વારા દેશમાં અનૈતિકતા અને અશ્લીલતા ફેલાવવામાં આવી રહી છે. તેના ખતરનાક પરિણામો આવી શકે છે. સમાજના ઘણા વર્ગો આ એપ્સ પર બેનની માંગ કરી છે. ટિકટોક અને બીગોને લઈને નારાજગી ખૂબ જ વધી છે.
પાકિસ્તાનના ઘણા સમાજિક સંગઠનોએ પીટીએને પત્ર લખીને આ એપ્સને બેન કરવાની માંગ કરી હતી. તેના પર વિચાર કર્યા પછી નિવેદન બહાર પાડ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે અમને ઘણા પ્રકારની ફરિયાદો મળી છે. આ પ્રકારની એપ્સની સમાજ પર નેગેટિવ અસર થઈ રહી છે. સૌથી મોટી ચિંતા યુવાઓને લઈને છે. તેઓ આ એપ્સના કારણે વિચલિત થઈ રહ્યાં છે. આ કંપનીઓએ પાકિસ્તાનના કાયદા મુજબ કામ કરવું પડશે. બાકી તેમની પર પ્રતિબંધ મૂકવામાં આવશે. પાકિસ્તાન સરકાર પબજી ગેમ એપ્લિકેશનને પણ બંધ કરી ચૂકી છે.
થોડા મહિના પહેલા પાકિસ્તાનના બે ટિકટોક સ્ટાર હરીમ શાહ અને સંદલ ખટકના વીડિયો વાઈરલ થયા હતા. તેમાં તેઓ વડાપ્રધાન ઈમરાન અને કેટલાક મંત્રીઓ સાથે જોવા મળ્યા હતા. ત્યારે આ મંત્રીઓનો ખૂબ જ વિરોધ થયો હતો. મીડિયામાં ઘણા દિવસો સુધી આ મુદ્દો ચગ્યો હતો. એમ કહેવાઈ રહ્યું છે કે આ મામલાને ઠંડો પાડવાના ભાગરૂપે આ છોકરીઓને કેનેડા મોકલવામાં આવી છે. હવે તેમણે ત્યાંની નાગરિકતા માટે અરજી કરી છે.