ઈરાકના પ્રધાનમંત્રીને વિસ્ફોટકોથી લદાયેલા ડ્રોન વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ
હુમલાના થોડા સમય બાદ પીએમ કદીમીએ ટ્વિટરના માધ્યમથી પોતે સુરક્ષિત હોવાની જાણકારી આપી હતી
નવી દિલ્હી, ઈરાકના વડાપ્રધાન મુસ્તફા અલ કદીમીની હત્યા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. રવિવારે સવારના સમયે તેમના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો. ડ્રોનમાં લદાયેલા વિસ્ફોટકો દ્વારા આ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો. હુમલો થયો તે સમયે પીએમ કદીમી ઘરે ઉપસ્થિત હતા.
ઈરાકી સેનાએ પીએમ પર થયેલા આ હુમલાને અસફળ હુમલો જાહેર કર્યો છે. સેનાના કહેવા પ્રમાણે પીએમ કદીમીને આ હુમલાથી કોઈ જ નુકસાન નથી પહોંચ્યું અને તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ હુમલાને લઈ તમામ જરૂરી પગલાઓ ભરવામાં આવી રહ્યા છે.
હુમલાના થોડા સમય બાદ પીએમ કદીમીએ ટ્વિટરના માધ્યમથી પોતે સુરક્ષિત હોવાની જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે, ‘વિશ્વાસઘાતના રોકેટ વિશ્વાસ કરનારા લોકોના મનોબળને તોડી નહીં શકે.
અમારા વીર સુરક્ષા દળ દૃઢ રહેશે કારણ કે, તેઓ લોકોની સુરક્ષા જાળવી રાખવાનું, ન્યાય અપાવવાનું અને કાયદો લાગુ કરવાનું કામ કરે છે.’ વધુમાં લખ્યું હતું કે, ‘હું ઠીક છું, ઉપરવાળાનો ધન્યવાદ છે, અને હું ઈરાક માટે, સૌને શાંતિ અને સંયમનું આહ્વાન કરૂ છું.’
જોકે હજુ સુધી કોઈએ આ હુમલાની જવાબદારી નથી સ્વીકારી. આ તરફ બગદાદના ગ્રીન ઝોન ક્ષેત્રની બહાર ડેરા નાખીને બેઠેલા ઈરાન સમર્થક શિયા ફાઈટર્સના સમર્થકો અને દંગા વિરોધી પોલીસ દળ વચ્ચે શુક્રવારે અથડામણ થઈ હતી જે બાદમાં હિંસક બની ગઈ હતી. આ વિસ્તારમાં વડાપ્રધાન કદીમીનું ઘર અને અમેરિકી દૂતાવાસ આવેલા છે.
પ્રદર્શનકારીઓએ ગત મહિને સંસદીય ચૂંટણીના પરિણામોમાં મળેલી હારને નકારી દીધી હતી. ચૂંટણીમાં ઈરાન સમર્થક ફાઈટર્સને ભારે મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. તે ઘટનામાં એક પ્રદર્શનકારીનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા.