ઈરાક જતા ૧૧૦ શ્રદ્ધાળુને મુંબઈ એરપોર્ટ પર રોકી દેવાયા
મુંબઈ, અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલીના પરિણામ સ્વરૂપે ઈરાક જતા પ્રવાસીઓ પણ જારદાર રીતે પ્રભાવિત થયા છે. સુરક્ષાના કારણો આપીને શનિવારના દિવસે કુલ ૧૧૦ યાત્રીઓને મુંબઈથી ઈરાકની ફ્લાઇટ લેવાથી રોકી દેવામાં આવ્યા હતા. તમામ શ્રદ્ધાળુઓના સબંધ દાઉદી વોરા સમુદાય સાથે હોવાનું જાણવા મળ્યું છે. આ લોકો ઈરાક સ્થિત એક પવિત્ર સ્થળ પર જઈ રહ્યા હતા. મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટથી તેઓ ઈરાકના નજફ તરફ જનાર ઈરાકી એરવેઝની ફ્લાઇટ લેનાર હતા પરંતુ તેમને રોકી દેવામાં આવ્યા હતા. જાકે, તેમાથી પાંચના ઈમીગ્રેશન ચેકઅપ થઈ ગયા હતા.
બાકીના બોડિઁગ પાસને લઈને ઈમીગ્રેશન તપાસ માટે જઈ રહ્યા હતા. એરપોર્ટ ઓથોરિટીને એવા નિર્દેશ મળ્યા હતા કે ભારતીયો માટે ઈરાક જવાની બાબત સુરક્ષિત દેખાઈ રહી નથી. ત્યારબાદ અડધી રાત બાદ એરપોર્ટના અધિકારીઓએ એરલાઈનથી બોડિઁગ પાસ જારી નહીં કરવા માટે આદેશ કર્યા હતા. આ સંદર્ભમાં આઠમી જાન્યુઆરીના દિવસે વિદેશ મંત્રાલય તરફથી એક પરિપત્ર જારી કરીને અપીલ કરવામાં આવી હતી. પરિપત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, મંત્રાલય દ્વારા ઈરાકની યાત્રા પર જનાર યાત્રીઓને ઈમીગ્રેશન ક્લિયરેન્સ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.
પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આગામી આદેશ સુધી ઈસીઆર અને ઈસીએનઆર પાસપોર્ટ ધારકોને ઈરાક માટે તરફ ઈમિગ્રેશન મંજુરી આપવામાં આવશે નહીં. તાજેતરમાં ઈરાનના ફોર્સ કમાન્ડર કાસીમ સુલેમાની અમેરિકી હુમલામાં માર્યા ગયા હતા. અમેરિકા અને ઈરાન વચ્ચે પહેલાથી જ ખરાબ સંબંધો રહ્યા છે. હાલમાં જ ઈરાને અમેરિકાના લશ્કરી સ્થળોને ટાર્ગેટ બનાવીને ઈરાકમાં મિસાઈલ હુમલા કર્યા હતા. જોકે, યુદ્ધ ટળી ગયું છે.