ઈરાનથી મગફળીના જથ્થામાં છુપાવીને લાવવામાં આવ્યું ૨૫ કિલો હેરોઈન
મુંબઇ, મુંબઈમાં ચાલતા ક્રૂઝ પાર્ટી કેસ દરમિયાન ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની ટીમે મુંબઈ પોર્ટ પર દરોડા પાડ્યા છે. અહીં એક કન્ટેનરમાંથી ૨૫ કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં એની કિંમત અંદાજે ૧૨૫ કરોડ માનવામાં આવે છે.
DRIની મુંબઈ યુનિટે દરોડા પછી નવી મુંબઈમાં ૬૨ વર્ષના વેપારી જયેશ સાંઘવીની ધરપકડ કરી છે. સાંઘવી પર આરોપ છે કે તે ઈરાનથી મગફળીના તેલના એક જથ્થામાં આ હેરોઈન છુપાવીને મુંબઈ લાવ્યો હતો. DRIના એક અધિકારીએ જણાવ્યું છે કે ખાનગી માહિતીના આધાર પર નવી મુંબઈના ન્હાવા શેવામાં ઈરાનથી આવેલા એક કન્ટેન્ટરને પકડવામાં આવ્યું છે અને એની તપાસ કરતાં જ આ હેરોઈન જપ્ત કરાયું છે.
DRIના અધિકારીએ જણાવ્યું હતું કે આ કન્ટેનર વૈભવ એન્ટરપ્રાઈઝના સંદીપ ઠક્કરે ઈમ્પોર્ટ કર્યું હતું. તેની મસ્જિદ બંદરમાં ઓફિસ છે. ટીમે તેની પૂછપરછ પણ કરી છે. ઠક્કરે DRIને જણાવ્યું છે કે સાંઘવીએ તેને તેની ફર્મના IEC પર ઈરાનથી સામાન ઈમ્પોર્ટ કરવા માટે એક જથ્થાદીઠ રૂ. ૧૦,૦૦૦ની ઓફર પણ આપી હતી. તે ૧૫ વર્ષથી સાંઘવી સાથે વેપાર કરી રહ્યા છે, તેથી તેમને સાંઘવી પર વિશ્વાસ હતો.DRIએ સાંઘવીની ધરપકડ કરીને તેની વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક્સ સબ્સટેન્સ એક્ટ અંતર્ગત કેસ નોંધી લીધો છે.
ગુરુવારે તેને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને ૧૧ ઓક્ટોબર સુધી DRIની અટકાયતમાં મોકલી દીધો છે.HS