ઈરાનના પરમાણુ વૈજ્ઞાનિક મોહસીનની તહેરાનમાં હત્યા
તેહરાન, ઈરાનના અણુ બોમ્બ પ્રોગ્રામના પિતા તરીકે ઓળખાતા ટોચના વૈજ્ઞાનિક મોહસીન ફખરીઝાદેહ શુક્રવારે દેશના પાટનગર તેહરાનમાં ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી. આ હત્યા માટે ઇઝરાઇલની ગુપ્તચર એજન્સી મોસાદને જવાબદાર ઠેરવવામાં આવી છે. હુમલો કરનારાઓએ મોહસીનની કાર ઉપર અંધાધૂંધ ફાયરિંગ કરી હતી જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું. ટોચના ઇરાની વૈજ્ઞાનિકની હત્યાથી પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો છવાઈ રહ્યા છે.
આ દરમિયાન ઈરાનના વિદેશમંત્રીએ તેને આતંકવાદી કૃત્ય ગણાવતા ઇઝરાઇલ પર ઉગ્ર પ્રહાર કર્યો હતો. ઈરાનના વિદેશમંત્રી મોહમ્મદ જવાદ ઝરીફે ટિ્વટર પર કહ્યું કે, આતંકીઓએ આજે એક પ્રખ્યાત ઈરાની વૈજ્ઞાનિકની હત્યા કરી છે. આ કૃત્ય ઇઝરાઇલની ભૂમિકાના ગંભીર સંકેતો સાથે કાવતરાખોરોની હતાશાને પ્રતિબિંબિત કરે છે. ઇઝરાયેલે ઈરાની આક્ષેપો વચ્ચે આ કેસ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.
ટોચના ઈરાની વૈજ્ઞાનિકની હત્યા એવા સમયે કરવામાં આવી છે જ્યારે ખબર આવી હતી કે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન બાઈડન સંભાળતાં પહેલાં ઈરાનની પરમાણુ સ્થળો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. જો કે, બાઈડન પ્રશાસન ઈરાન સાથે પરમાણુ કાર્યક્રમ અંગે બહુપક્ષીય કરારમાં ફરી જોડાવા માંગે છે. આ કરારને ટ્રમ્પ દ્વારા ૨૦૧૮માં દૂર કરવામાં આવ્યો હતો. આ હત્યા એવા સમયે કરવામાં આવી છે જ્યારે ઇઝરાઇલના વડાપ્રધાન, યુએસના વિદેશ પ્રધાન અને સાઉદી અરેબિયાના પ્રિન્સની થોડા દિવસો પહેલા ગુપ્ત બેઠક મળી હતી.
એવું કહેવામાં આવે છે કે ફખરીઝાદેહે ઈરાનના કથિત પરમાણુ શસ્ત્રો પ્રોગ્રામ અમાદ અથવા હોપ નું નેતૃત્વ કર્યું હતું. ફાખરીઝાદેહ પર હુમલો એબ્સાર્ડ શહેરમાં થયો હતો. આ વિસ્તાર તેહરાનથી લગભગ ૫૦ મીલ દૂર છે. ઈરાનની ન્યૂઝ એજન્સી ફોર ન્યૂઝના અહેવાલ મુજબ પ્રત્યક્ષદર્શીએ જોરદાર ધડાકાની અવાજ સાંભળી હતી ત્યારબાદ ભારે ગોળીબાર થયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે ફાખરીઝાદેહની કાર પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરોએ તેમની કાર બળજબરીથી રોકી હતી અને તે પછી તેઓએ ઘટનાસ્થળે ઈરાની વૈજ્ઞાનિક પર હુમલો કર્યો હતો. ફાર ન્યૂઝ અનુસાર આ હુમલામાં ૩થી ૪ લોકોનાં મોત નીપજ્યાં છે. હજી સુધી કોઈએ પણ આ હુમલાની જવાબદારી લીધી નથી. ઈરાની પરમાણુ શસ્ત્રોના કાર્યક્રમના પિતાની હત્યા પ્રાયોગિક અને પ્રતિકાત્મક દ્રષ્ટિએ ઘણી મહત્વપૂર્ણ છે.
મોહસીન ફાખરીઝાદેહ ૧૯૮૯થી યુએસ અને ઇઝરાઇલી ગુપ્તચર એજન્સીઓના નિશાને રહ્યા છે. મોહસીન ફખરીઝાદેહનો પરમાણુ બોમ્બ પ્રોગ્રામ ‘અમાદ’ને વર્ષ ૨૦૦૩માં અટકાવી દેવાયો હતો. ત્યારબાદથી મોહસીન ફખરીઝાદેહ સામાન્ય નાગરિકોને ધ્યાનમાં રાખીને અન્ય વિવિધ પરમાણુ કાર્યક્રમો તરફ ધ્યાન આપી રહ્યા હતા. દરમિયાન ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખમનેઈના લશ્કરી સલાહકારે કહ્યું છે કે અમે આ હત્યાનો બદલો લઈશું. તેમણે કહ્યું કે ટ્રમ્પના અંતિમ દિવસોમાં ઇઝરાઇલ ઈરાન સાથે યુદ્ધ ઉશ્કેરવાની તૈયારીમાં છે.
બીજી તરફ યુએસ ગુપ્તચર અધિકારીઓએ ન્યૂયોર્ક ટાઇમ્સને જણાવ્યું હતું કે ઈરાની વૈજ્ઞાનિક પર થયેલા જીવલેણ હુમલો પાછળ ઇઝરાઇલનો હાથ છે. તેમણે કહ્યું હતું કે યુએસને આ હુમલા વિશે કેટલી જાણકારી છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ન્યુયોર્ક ટાઇમ્સે અહેવાલ આપ્યો છે કે, હત્યાને કુખ્યાત ઇઝરાઇલી ગુપ્તચર એજન્સી મોસાદ દ્વારા અંજામ આપવામાં આવ્યો છે. મોસાદે અગાઉ ૨૦૧૦ અને ૨૦૧૨માં પણ ચાર ઈરાન પરમાણુ વૈજ્ઞાનિકોની હત્યા કરી કરી ચૂકી છે.SSS