ઈરાનમાં ડ્રગ્સ મોકલો છો તેવું કહી યુવક સાથે ૯.૭૬ લાખની છેતરપિંડી
નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરોના અધિકારી બની યુવકની બેન્ક વિગતો મેળવીને દસ લાખની લોન લઈ લીધી
(એજન્સી) અમદાવાદ, સાયબર ગઠિયાઓ રોજ નવી નવી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને લોકોને ઠગી રહ્યા છે. શહેરના ત્રાગડ વિસ્તારમાં રહેતા એક યુવક સાથે ગઠિયાઓએ ૯.૭૬ લાખનું ચીટિંગ કર્યું છે. ડ્રગ્સનું પાર્સલ ઈરાનમાં મોકલ્યું હોવાનું કહી ગઠિયાએ મુંબઈ નાર્કોટિકસ વિભાગની ઓળખ આપીને છેતરપિંડી આચરી હતી.
ત્રાગડ વિસ્તારમાં રહેતા અને પ્રાઈવેટ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીક ફરજ બજાવતા અર્થ પટેલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ચીટિંગની ફરિયાદ કરી છે. ૩ એપ્રિલના રોજ અર્થના મોબાઈલ પર એક અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો તમે એક પાર્સલ મુંબઈથી ઈરાન કુરિયર મારફતે મોકલાવ્યું છે.
આ પાર્સલમાં પાંચ કિલો કપડાં, લેપટોપ, ર૦૦ ગ્રામ એલએસડી ડ્રગ્સ છે. આ પાર્સલ મોકલવા માટે ૯૬ હજાર રૂપિયા ભર્યા હતા. અર્થે આ પાર્સલ મોકલાવ્યું નથી તેમ કહેતા ગઠિયાએ ફોન મુંબઈ નાર્કોટિકસ વિભાગમાં ફોરવર્ડ કર્યો હતો. કોલ ફોરવર્ડ થતાં અર્થ સાથે અજય માધવને વાત કરી હતી. જેણે પોતાની ઓળખ નાર્કોટિકસના અધિકારી તરીકે આપી હતી. અજય માધવને એસકેવાયપીઈ એપ્લિકેશન પરથી મુંબઈ એનસીબી ડિપાર્ટમેન્ટ સર્ચ કરીને તેના પર વાત કરવાનું જણાવ્યું હતું.
એસકેવાયપીઈ એપ્લિકેશન પરથી અર્થે એનસીબી ડિપાર્ટમેન્ટ સર્ચ કર્યું હતું અને અજય માધવન સાથે વાત કરી હતી. એસકેવાયપીઈ એપ્લિકેશનથી અર્થે તેની સાથે વીડિયોકોલ પર વાત કરી હતી પરંતુ સામેથી પોતાનો ચહેરો બતાવ્યો નહીં. કોલ ઉપાડનાર ગઠિયાએ અર્થ પાસેથી આઈડી પ્રૂફ તેમજ આધારકાર્ડની કોપી પણ માંગી હતી.
અર્થે એસકેવાયપીઈ એપ્લિકેશન મારફતે આધારકાર્ડની કોપી પણ મોકલી આપી હતી. આધારકાર્ડ મોકલ્યા બાદ ગઠિયાઓએ અર્થને કહ્યું હતું કે, આ આધારકાર્ડ ઉપર ઘણા બધા બેન્ક એકાઉન્ટ ઓપન થયા છે જેમાં મનિલોન્ડરીંગનો કેસ થયો છે.
ગઠિયાએ અર્થને ડરાવ્યો હતો કે તમારા આધારકાર્ડનો ઘણી બધી ઈલીગલ એક્ટિવિટીમાં ઉપયોગ થયો છે. ગઠિયાએ અર્થને અજાણ્યા શખ્સોના ફોટા બતાવ્યા હતા. અર્થને ડીસીપી દ્વારા ધરપકડ કરવામાં આવશે તેવું કહીને ધમકી પણ આપી હતી.
ગઠિયાઓએ અર્થને બેન્કની વિગતો આપશો તો અમે તમને મદદ કરી શકીશું તેમ કહ્યું હતું. ગઠિયાએ અર્થ પાસેથી બેન્કના સ્ટેટમેન્ટ માંગ્યા હતા. જેથી અર્થે તમામ સ્ક્રીનશોટ પાડીને મોકલી આપ્યા હતા. ત્યારબાદ અર્થે તેના નેટબેન્કીંગ સહિતની વિગતો પણ ગઠિયાને આપી દીધી હતી.
ત્યારબાદ અર્થના નામે ગઠિયાઓએ દસ લાખ રૂપિયાની લોન કરી દીધી હતી જેમાં ૯.૭૬ લાખ રૂપિયા અન્ય બેન્કમાં ટ્રાન્સફર કરી દીધા હતા. અર્થના નામે લોન લેવાઈ જતાં તેણે આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.