Vimal Elaichi બ્રાન્ડના વિજ્ઞાપન માટે ટ્રોલ થતાં અક્ષયે માફી માગી
મુંબઈ, બોલિવુડ એક્ટર અક્ષય કુમારે હાલમાં જ સોશિયલ મીડિયા પર એક નોટ શેર કરીને માફી માગી છે. એક ઈલાયચી બ્રાન્ડનું વિજ્ઞાપન કરવા બદલ અક્ષય કુમારે પોતાના ચાહકો અને શુભચિંતકોની માફી માગી છે. અક્ષય કુમારે સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું, “હું ક્ષમા માગુ છું. હું મારા તમામ ચાહકો-શુભચિંતકોની માફી ચાહું છું.
છેલ્લા થોડા દિવસમાં તમારા સૌની જે પ્રતિક્રિયા આવી છે તે હૃદય સોંસરવી ઉતરી ગઈ છે. મેં ક્યારેય તમાકુને પ્રોત્સાહન આપ્યું નથી અને આપીશ પણ નહીં. Vimal Elaichi સાથે મારા જાેડાણ બાદ તમારી જે લાગણીઓ છલકાઈ છે તેનો હું આદર કરું છું.
સંપૂર્ણ વિનમ્રતાથી હું આમાંથી પીછેહઠ કરું છું. મેં મારી એન્ડોર્સમેન્ટ ફી એક નેક કામ માટે વાપરવાનો ર્નિણય કર્યો છે. જ્યાં સુધી મારો કાયદાકીય કોન્ટ્રાક્ટ પૂરો ના થાય ત્યાં સુધી બ્રાન્ડ એડ બતાવવાનું ચાલુ રાખી શકે છે પરંતુ હું વચન આપું છું કે ભવિષ્યમાં કોઈપણ પસંદગી કરતાં પહેલા વિચાર કરીશ. બદલામાં હું તમારી પાસે પ્રેમ અને શુભેચ્છાઓની અપેક્ષા રાખું છું”, તેમ અક્ષય કુમારે નોટના અંતે લખ્યું.
તાજેતરમાં જ અક્ષય કુમાર, અજય દેવગણ અને શાહરૂખ ખાન સાથે એક પોપ્યુલર ઈલાયચીની એડમાં જાેવા મળ્યો હતો. આ કોમર્શિયલ વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર અક્ષય કુમારને લઈને મિશ્ર પ્રતિક્રિયાઓ આવવા લાગી હતી. જેનું કારણ છે કે અક્ષય કુમારે અગાઉ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, તે ક્યારેય તમાકુની બ્રાન્ડનું વિજ્ઞાપન નહીં કરે.
અક્ષય કુમારનો એક જૂનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જે લગભગ ૨૦૧૮ની સાલનો છે જેમાં તે એક પબ્લિક પ્લેટફોર્મ પર તમાકુનું વિજ્ઞાપન ન કરવા અંગે વાત કરી રહ્યો છે. વર્કફ્રંટની વાત કરીએ તો, અક્ષય કુમાર હવે ‘રામસેતુ’, ‘રક્ષાબંધન’, ‘પૃથ્વીરાજ’, ‘સેલ્ફી’, ‘સિન્ડ્રેલા’ જેવી ફિલ્મોમાં જાેવા મળશે.SSS