ઈલેકટ્રીક બસ ખરીદીમાં પ્રજાના રૂ.રરપ કરોડનું ધોવાણ
AMTS ચેરમેન કથિત કૌભાંડનો પર્દાફાશ કર્યોઃકમીશ્નર મીટીંગ છોડી ચાલ્યા ગયા : મ્યુનિ.બોર્ડમાં વિપક્ષી નેતાએ પણ કમીશ્નરને આડા હાથે લીધા |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ટ્રાફિક નિયમોના ભંગ બદલ લેવાતા દંડની રકમમાં વધારો થયા બાદ જાહેર પરિવહન સેવામાં ટ્રાફિક ભારણ વધી રહયું છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની (Ahmedabad Municipal Corporation) AMTS અને જનમાર્ગમાં પણ પેસેન્જરોની સંખ્યામાં વધારો થયો છે.
તેથી શહેર પરીવહનસેવા વધુ સુદૃઢ બનાવવા માટે જનમાર્ગ અંતર્ગત ૬૦૦ ઈલેકટ્રીક અને AMTSમાં રપ૦ સીએનજી બસો CNG Bus ખરીદવા માટે કમીશ્નર અને સ્ટેન્ડીંગ કમીટી ચેરમેને (Standing Committee Chairman) જાહેરાત કરી હતી. તે સમયે અત્યંત સારી લાગતી સદ્દર જાહેરાત પાછળ આચરવામાં આવેલ કથિત કૌભાંડનો જનર્માગની વાર્ષિક સામાન્ય સભામાં (annual general meeting of Janmarg Limited) પર્દાફાશ થયો હતો.
ઈલેકટ્રીક બસોની (Electric buses purchase) ખરીદી કરવા બદલ તંત્રને રૂ.રરપ કરોડનું આર્થિક નુકશાન થઈ રહયું છે. તથા મ્યુનિ. કમીશ્નરને જાણકારી હોવા છતાં કેન્દ્ર સરકારની યોજનાનો લાભ લીધો ન હોવાના સીધા આક્ષેપ એએમટીએસ ચેરમેને કર્યા હતા. જેના કોઈ જ જવાબ ન હોવાથી મ્યુનિ. કમીશ્નર બેઠક છોડીને ચાલ્યા ગયા હતા. જનમાર્ગ બેઠકમાં થયેલ ચર્ચાના પડઘા મ્યુનિ.કોર્પોરેશનની સામાન્ય સભામાં પણ પડયા હતા. જેમાં કોગી નેતાએ ઈલેકટ્રીક બસોની સાથે સાથે સીકયોરીટી કોન્ટ્રાકટમાં થયેલ ગેરરીતિ મામલે પણ પ્રહાર કર્યા હતા.
અમદાવાદ જનમાર્ગ લીમીટેડ ની વાર્ષિક સામાન્ય સભામાં એએમટીએસ ચેરમેન અતુલભાઈ ભાવસારે ૬૦૦ ઈલેકટ્રીક બસ લેવા મામલે ઉગ્ર વિરોધ વ્યકત કર્યો હતો તથા મ્યુનિ. કમીશ્નરે અન્ય હકીકત છુપાવી હોવાથી મનપા ની તિજારીને રૂ.રરપ કરોડનું આર્થિક નુકશાન થાય તેમ છે. તેવા સીધા આક્ષેપ કરતા કમીશ્નર મીટીંગ છોડીને ચાલ્યા ગયા હતા.
સમગ્ર ઘટના અંગે AMTS ચેરમેન અતુલભાઈ ભાવસાર નો સંપર્ક કરતા તેમણે વિસ્તૃત માહિતી આપવા જણાવ્યું હતું કે જનમાર્ગમાં માત્ર દસ દિવસના સમયગાળામાં જ ઈલેકટ્રીક બસ માટે બે વખત ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. પ્રથમ ટેન્ડરમાં ટાટા કંપની પાસેથી પ્રતિ કિલોમીટર રૂ.૬૧ના ભાવથી ૩૦૦ બસો લેવા માટે વિચારણા ચાલી રહી છે.
જયારે બીજા ટેન્ડરમાં કેન્દ્ર સરકારની ફેમ-ર યોજના અંતર્ગત ૩૦૦ ઈલેકટ્રીકબસ લેવા માટે જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે ઈલેકટ્રીક બસ માટે ફેમ-ર યોજના જાહેર કરી છે. જેમાં મનપાને બસ દીઠ રૂ.૪પ લાખની સબસીડી આપવામાં આવશે. મ્યુનિ. કમીશ્નર સદ્દર યોજનાથી વાકેફ હોવા છતાં પ્રથમ ટેન્ડરમાં ફેમ-ર યોજનાનો અમલ કર્યો નથી.
તથા હોદેદારોથી પણ આ માહિતી છુપાવી હતી. તેથી પ્રથમ ટેન્ડરમાં તંત્રને રૂ.રરપ કરોડ કરતા પણ વધુ રકમનું આર્થિક નુકશાન થઈ શકે છે. તદ્દઉપરાંત એક સાથે ૬૦૦ ઈલેકટ્રીક બસો ખરીદ કરવાની પણ કોઈ જરૂરીયાત નથી.
જનમાર્ગ લીમીટેડ દ્વારા સપ્ટેમ્બર ર૦૧૮માં પ૦ ઈલેકટ્રીક બસો ખરીદવા માટે અશોક લેલન્ડ કંપનીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જે પૈકી છેલ્લા એક વર્ષમાં જનમાર્ગ ને માત્ર ૧૮ બસ જ મળી છે. જયારે ૩ર બસ ની ડીલીવરી બાકી છે. જે કયારે મળશે તે નકકી નથી.
૩૦૦ ઇલેક્ટ્રિક બસના કથિત કૌભાંડને આ રીતે સમજા |
કેન્દ્ર સરકાર દ્વારા ફેમ-૨ અંતર્ગત પ્રતિ બસ રૂ.૪૫ લાખની સબસીડી આપવામાં આવે તેથી પ્રતિકિલોમીટર રૂ.૧૩નો લાભ થાય છે. દૈનિક ૨૦૦ કિલોમીટર મુજબ ગણતરી કરવામાં આવે તો… ૨૦૦ કિલોમીટર X ૧૩ = રૂ.૨૬૦૦ પ્રતિબસ દૈનિક ફાયદો ૨૬૦૦ દૈનિક X ૩૦૦ બસ = રૂ.૭,૮૦,૦૦૦/- દૈનિક કુલ ફાયદો ૭,૮૦,૦૦૦/- X ૩૬૫ દિવસ = રૂ.૨૮.૪૭ કરોડ વાર્ષિક ફાયદો રૂ.૨૮.૪૭ કરોડ X ૮ વર્ષ = ૨૨૭.૭૬ કરોડ એ.એમ.ટી.એસ. ચેરમેન અતુલ ભાવસારે જણાવ્યા મુજબ પ્રથમ ટેન્ડરમાં ફેંમ-૨નો લાભ લેવામાં આવ્યો હોત તો ઉપર જણાવ્યા મુજબ ૮ વર્ષમાં ૨૨૭ કરોડનો ફાયદો થાય તેમ હતો પરંતુ કમિશ્નરે ફેમ-૨ની શરત રાખી ન હોવાથી સંસ્થાને ૮ વર્ષમાં રૂ.૨૨૭ કરોડનું નુકશાન થાય તેમ છે. |
મ્યુનિ. કમીશ્નરે (Ahmedabad Municipal Commissioner) ૬૦૦ બસ લેવા માટે ટેન્ડર (tender for 600 public transport buses) જાહેર કર્યા છે. તે બસો કયારે મળશે તે ભાવિના ગર્ભમાં છે. તદ્દઉપરાંત હાલ અશોક લેલન્ડ અને ટાટા કંપનીમાં Ashok Leyland & Tata motors પણ ઈલેકટ્રીક વાહનો માટે “રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ” ની પરિસ્થિતિ ચાલી રહી છે. તેથી ૬૦૦ બસોનો ઓર્ડર શા માટે આપવામાં આવ્યો તે બાબત સમજવી મુશ્કેલ છે ! મ્યુનિ. કમીશ્નરે પ્રથમ ટેન્ડરમાં ફેમ-ર યોજનાનો લાભ શા માટે ના લીધો ? તથા હોદેદારો ને પણ ફેમ-ર યોજનાની માહિતી કેમ આપવામાં ન આવી !
તેના જવાબ કમીશ્નર આપી શકયા ન હતા. જેના કારણે તેઓ મીટીંગ છોડીને ચાલ્યા ગયા હતા. જનમાર્ગ લીમીટેડની (Janmarg limited meeting) બેઠકમાં ૬૦૦ બસ માટે જે રજુઆત કરવામાં આવી હતી. તેને રેકર્ડ પણ લેવામાં આવે અથવા લેખિતમાં આ મુદ્દે રજુઆત કરવામાં આવશે તેમ AMTS ચેરમેન અતુલભાઈ ભાવસારે (Atul Bhavsar) વધુમાં જણાવ્યું હતું. મ્યુનિ. કોર્પોરેશનની માસિક સામાન્ય સભામાં વિપક્ષી નેતા દિનેશ શર્માએ Dinesh Sharma પણ ઈલેકટ્રીક બસ ખરીદીના કથિત કૌભાંડ અને એએમટીએસ ચેરમેનના આક્ષેપ મામલે રજૂઆત કરી હતી.
તથા એએમટીએસ ચેરમેનના પગલે દિનેશ શર્માએ પણ ૩૦૦ બસ ના પ્રથમ ટેન્ડરને રદ કરવા માંગણી કરી હતી. વિપક્ષીનેતાએ ઈલેકટ્રીક બસ ખરીદીની સાથે-સાથે સીકયોરીટી કોન્ટ્રાકટની ગેરરીતિ મામલે પણ કમીશ્નરની ઝાટકણી કાઢી હતી તેમના જણાવ્યા મુજબ ઝીરો સર્વિસ ચાર્જ પર કોન્ટ્રાકટ આપીને ભ્રષ્ટાચાર નો માર્ગ મોકળો કરવામાં આવ્યો છે. કોઈપણ વ્યકિત કે સંસ્થા વિના મૂલ્યે શા માટે મનપાની સેવા કરે ન તે બાબત સમજવી મુશ્કેલ છે.
તદ્ઉપરાંત ૬ ગાર્ડ દીઠ એકસુપરવાઈઝર અને ગાર્ડના યુનિફોર્મની જવાબદારી પણ કોન્ટ્રાકટર દ્વારા લેવામાં આવી રહી છે. તેથી વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ઓછા ગાર્ડ મુકીને વધુ પેમેન્ટ લેવા તથા ગાર્ડને ઓછી રકમ આપી તેમનું આર્થિક શોષણ કરવામાં આવશે. ગાર્ડના ખાતામાં ડાયરેકટ પગાર જમા કરવાના દાવા થઈ રહયા છે. ર૦૧૧ના કોન્ટ્રાકટમાં પણ આ જ શરત રાખવામાં આવી હતી પરંતુ તેનું પાલન થયું નથી. તેથી નવા કોન્ટ્રાકટમાં પણ ગેરરીતિ થાય તેવી શકયતા નકારી શકાય તેમ નથી તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.