ઈલેકટ્રીક રીક્ષા આશિર્વાદરૂપઃ રીક્ષા ભાડા વધતા લોકો શટલનો સહારો લઈ રહ્યા છે
અમદાવાદમાં ઈલેકટ્રીક રીક્ષાઓ ખુબ જ સસ્તા દરે દોડી રહી છે. જેમાં માત્ર રૂા.૧૦ લેવામાં આવે છે. જો કે લોકો પાસે આ અંગેની પૂરતી માહિતી નથી એટલે ખાલી જાય છે.
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, સામાન્ય નોકરી-કામધંધો કરતા સેંકડો લોકોને હાલમાં મોંઘવારીમાં પીસાવુ પડી રહ્યુ છે. પરંતુ જાણે કે, મોંઘવારીનો મુદ્દો સાઈડટ્રેક થઈ ગયો હોય અગર તો તેનાથી આમપ્રજા ટેવાઈ ગઈ હોય તેવું લાગી રહ્યુ છે.
આ બધાની વચ્ચે યુક્રેન-રશિયા વચ્ચે જાે યુધ્ધ ફાટી નીકળશે તો મોંઘવારી માઝા મુકશે. ગેસ-પેટ્રોલીયમના ભાવ રોકેટની ગતિથી વધશે. તેવી પૂરી સંભાવનાઓ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે બેરલદીઠ ક્રુડ ઓઈલનો ભાવ ૧૦૦ ડોલરે પહોંચવાની તૈયારીમાં જ છે એવુૃ નિષ્ણાંતો જણાવી રહ્યા છે.
હજુ ભાવ વધશેે તો તેની અસર ભારત પર પણ પડી શકે છે. દેશની સામાન્ય જનતા મોંઘવારીનો માર તો સહન કરી જ રહી છે ત્યાં નવી પરિસ્થિતિ પડતા પર પાટુ સમાન બની શકે છે. ગેસની વાત કરીએ તો સીએનજીના ભાવ વધ્યા છે. પરિણામે ઓટોરીક્ષાના ભાડાના ભાવમાં ઉછાળો આવ્યો છે.
પાછલા ઘણા સમયથી શહેરમાં ફરતી ઓટો રીક્ષાના ભાડામાં રૂા.ર૦ થી ૪૦ સુધીનો વધારો થયાનુ અનુમાન છે. જ્યાં ૮૦ થી ૯૦ રૂા. ભાડુ થતુ હતુ ત્યાં રૂા.૧૧૦-૧ર૦ રૂ.સુધી પહોંચી ગયુ છે. લોકો તેથી સ્પેશ્યલ રીક્ષાનો મોહ છોડીને શટલરીક્ષાનો આગ્રહ રાખી રહ્યા છે.
બીજી તરફ શહેરમાં ઈલેકટ્રીક રીક્ષાઓ ખુબ જ સસ્તા દરે દોડી રહી છે. જેમાં માત્ર રૂા.૧૦ લેવામાં આવે છે. જાે કે તેના રૂટ અંગેની પૂરતી માહિતી લોકો જાેડે હોતી નથી પરિણામે આ રીક્ષાઓ મોટેભાગેે ખાલી જ દોડતી નજરે પડે છે. માત્ર પીકઅવર્ષમાં ઈલેકટ્રીક રીક્ષાઓમાં પેસેન્જર નજરે પડે છે.
જે મુસાફરોને રૂટની ખબર છે તેઓ ઈલેકટ્રીક રીક્ષાનો લાભ લે છે. અને તેમના માટે આ રીક્ષા આશિર્વાદ રૂપ બની ગઈ છે. ખરેખર તો ઈ-રીક્ષાની સંખ્યા વધારવામાં આવે તો હજારો મુસાફરોને આવવા-જવામાં સુગમતા રહે અને આર્થિક દ્રષ્ટીએ પણ પોષાઈ શકે તેમ છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં નહેરૂનગરથી થલતેજ એક્રોપોલિસ મોલ સુધી તેમજ અન્ય રૂટ પર ઈ-રીક્ષા દોડી રહી છે.