ઈલેકટ્રોનિક વાદ્યો સામે લુપ્ત થયેલી સારંગી વાદન કલાને જીવંત રાખતો ભરથરી સમાજ
ગામડામાં લોકસંગીત પીરસી પેટિયું રળતા પરિવારો
ગાંભોઈ, વિશ્વભરમાં પ્રત્યેક પ્રાંતને પોતીકું લોકસંગીત હોય છે. જેના થકી લોક સંસ્કૃતિ અને લોકજીવનની આગવી ઓળખ છતી થાય છે. ગુજરાતી લોક જીવનના પરંપરારિક સંગીતવાદ્યોમાં સારંગી વાદન કલા મહત્વનું સ્થાન ધરાવે છે. વર્તમાન યુગમાં આ પુરાણા સંગીત વાદ્યનું સ્થાન આધુનિક ટેકનોલોજીથી બનેલા કૃત્રિમ ઉપકરોણએ લઈ લીધું છે છતાં આજે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ભરથરી સમાજના વાદ્ય કલાપ્રેમી કલાકારોએ સારંગી વાદક કલાને જીવંત રાખી પોતાની રોજીરોટી મેળવી આજીવિકા રળી છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રંગપુર અને અરવલ્લી જિલ્લાના રાજપુર બાકરોલ ગામે વર્ષોથી વસવાટ કરી રહેલા વિચરતી જાતિના ભરથરી સમાજના પરિવારો પોતાના વડીલોની પરંપરાગત સારંગી વાદનની સંગીત કલા દ્વારા સારંગી વગાડી હાલરડા, ભજનો, લોકગીતો ગાઈ ગામડે ગામડે ફરી પોતાના યજમાનો પાસેથી ભેટ-સોગાદ, વાસણ, કપડા અને લોટ મેળવી પેટીયું રળે છે.
આજના કૃત્રિમ ઘોઘાટીયા ઈલેકટ્રોનિક વાદ્યોના આક્રમણ વચ્ચે આ સારંગીના મીઠા અને સંવેદના ભર્યા સુર ભલે ખોવાઈ ગયા હોય પરંતુ આ મનોરંજનની સાથે પુરાણી કથા અને ભવાઈ સાથે સમાજ શિક્ષણનું કામ કરી પોતાની આજીવિકા માટે માથે ભગવી પાઘડી, ગળે રુદ્રાક્ષની મોતીની માળા, ઝભ્ભો-ધોતી, કોટી અને ખભે લાંબી જાેળી રાખી ગામડાના ફળિયામાં આ ભરથરી સંગીત વાદકો રામલીલા, ભવાઈ અને કથા-વાર્તાઓ સાથે જેસલ-તોરલ, રાજા ગોપીચંદ અને સંત કબીરના ભજન ગીતો લલકારતા નીકળે ત્યારે અસ્સલ જમાનો વીતી ગયાનો અહેસાસ થયા વિના રહેતો નથી.
આર્થિક સ્થિતિની વિષમતામાં પસાર થઈ રહેલા ભરથરીપરિવાર સમાજની હૈયા વરાળ ઠાલવતા હિંમતનગર તાલુકાના રંગપુર ગામના ચંદુભાઈ ખોડાભાઈ ભરથરી અને ટીનાભાઈ ભરથરી પોતાની પારંપરિક સંગીત વાદ્ય કલા અંગે જણાવે છે કે ભરથરી સમાજની યુવાપેઢીમાં હવે કલાકાોર ઓછા થતા જાય છે.
લગ્ન વિવાહ, જન્મ અને શ્રીમંત જેવા શુભ પ્રસંગોએ સુખી યજમાન પરિવારોને ઘરે સારંગી વાદન સંગીતથી ભવાઈ, ભજન, ગીત દ્વારા રીઝવી ભેટ-સોગાદો મેળવી પોતાનું જીવન ગુજરાન કરતા હતા પરંતુ આજે સારંગી સંગીતના ચાહકોના અભાવે અને આધુનિક વાદ્યોના કારણે સારંગી વાદ્ય કલાક લુપ્ત થવાના આરે ઉભી છે ત્યારે અમાીર વિચરતી જ્ઞાતિ પરિવારોને આર્થિક સહયોગરૂપે પ્રોત્સાહન આપી ગુજરાતની આ પુરાણી વાદ્ય કલાને જીવંત રાખવા વર્તમાન સરકાર સત્વરે યોગ્ય પગલાં ભરે એ જરૂરી છે.