ઈલેક્ટોરલ બોન્ડના વેચાણ પર સ્ટેનો સુપ્રીમનો ઈનકાર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/advt-western-2021-scaled.jpg)
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પૂર્વે ઈલેક્ટોરલ બોન્ડના વેચાણ પર સ્ટે મુકવાની અરજીને ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ એસ એ બોબડેની વડપણ હેઠળની બેન્ચે શુક્રવારે એનજીઓ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સની અરજીને ફગાવતા ઈલેક્ટોરલ બોન્ડના વેચાણ પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો હતો.
એનજીઓ દ્વારા રાજકીય પાર્ટીઓના ફન્ડિંગને લઈને તેમજ હિસાબોમાં કથિત પારદર્શિતાના અભાવ અંગે કરાયેલી પીઆઈએલ પડતર હોવાથી ઈલેક્ટોરલ બોન્ડના વેચાણ પર સ્ટે આપવા માટે માંગ કરી હતી. અગાઉ જસ્ટિસ એ એસ બોપન્ના અને જસ્ટિસ વી સુબ્રમણિયમનો સમાવેશ છે તે બેન્ચને કેન્દ્રે જણાવ્યું હતું કે, ૧ એપ્રિલથી ૧૦ એપ્રિલ વચ્ચે ઈલેક્ટોરલ બોન્ડ ઈશ્યુ કરવામાં આવશે.
એનજીઓએ પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે પશ્ચિમ બંગાળ અને આસામ સહિતના રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે તેવા સમયે ઈલેક્ટોરલ બોન્ડ્સના વેચાણને મંજૂરી આપવાથી રાજકીય પક્ષો દ્વારા બેનામી કંપનીઓ મારફતે ગેરકાયદે ભંડોળ મેળવવાનું પ્રમાણ ગંભીર રીતે વધે તેવી આશંકા છે.
૨૪ માર્ચના રોજ સુપ્રીમ કોર્ટે એનજીઓની અરજી પર ચુકાદો અનામત રાખતા ઈલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા એકત્ર કરાતા ભંડોળનો સંભવિત દુરૂપયોગ આતંકવાદી અને ગેરકાયદે પ્રવૃતિ માટે થઈ શકે તે મુદ્દો ઉઠાવ્યો હતો અને સવાલ કર્યો હતો કે ભંડોળનો ઉપયોગ કેવી રીતે થાય છે તેના શું સરકાર નિયંત્રણ ધરાવે છે.