ઈલેક્ટ્રિક કાર બનાવવા માટે પાર્ટનરશિપ કરશે હ્યુન્ડાઈ અને એપલ
ટેક જાયન્ટ એપલ ઈન્ક ઈલેક્ટ્રિક કાર બનાવવાની યોજના બનાવી રહી છે. તેના માટે એપલ સાઉથ કોરિયાની હ્યુન્ડાઈ મોટર સાથે પાર્ટનરશિપ કરવા માટે સહમત થઈ છે. બંને કંપનીઓ આ વર્ષે માર્ચ સુધી એક કરાર પર હસ્તાક્ષર કરશે. બંને કંપનીઓનું જોઈન્ટ વેન્ચર 2024માં અમેરિકાથી ઈલેક્ટ્રિક કારનું ઉત્પાદન શરૂ કરી શકે છે. કોરિયાના લોકલ અખબારના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.
આ રિપોર્ટ હ્યુન્ડાઈ મોટરે શુક્રવારના નિવેદન પછી સામે આવ્યો છે. નિવેદનમાં હ્યુન્ડાઈએ કહ્યું હતું કે ઈલેક્ટ્રિક કાર બનાવવા માટે એપલ સાથે બેઝિક લેવલની વાતચીત ચાલી રહી છે. આ પહેલાં એક લોકલ મીડિયા આઉટલેટે દાવો કર્યો હતો કે, હ્યુન્ડાઈ મોટર અને એપલ 2027 સુધી સેલ્ફ ડ્રાઈવિંગ ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. આ રિપોર્ટમાં સામે આવ્યું કે હ્યુન્ડાઈના શેરમાં 20% સુધી ઉછાળો આવ્યો છે.
તાજેતરના રિપોર્ટમાં ઈન્ડસ્ટ્રીના સૂત્રોના હવાલો આપી કહેવાયું છે કે આ કરાર હેઠળ 2 પ્લાન પર કામ કરવામાં આવશે. પ્રથમ પ્લાન હેઠળ જોર્જિયામાં કિઆ મોટર્સની ફેક્ટરીથી ઉત્પાદન શરૂ કરવામાં આવી શકે છે. કિઆ મોટર્સ હ્યુન્ડાઈ મોટર્સની સહાયક કંપની છે. બીજા પ્લાન હેઠળ બંને કંપનીઓ સંયુક્ત રોકાણનાં માધ્યમથી અમેરિકામાં નવી ફેક્ટરી બનાવી શકે છે. પ્રસ્તાવિત ફેક્ટરીથી 2024માં 1 લાખ વાહનોનું ઉત્પાદન કરવામાં આવશે. આ પ્લાન્ટની વાર્ષિક ક્ષમતા 4 લાખ વાહનની છે.
રિપોર્ટ મુજબ, હ્યુન્ડાઈ અને એપલ આવતા વર્ષે કારનું બીટા વર્ઝન લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. આ ઈલેક્ટ્રિક કારને એપલનું નામ મળી શકે છે. જોકે એપલે આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી. ગત મહિને રોયટર્સે એક રિપોર્ટમાં કહ્યું હતું કે એપલ ઓટોનોમસ કાર ટેક્નોલોજી પર કામ કરી રહી છે. કંપનીની યોજના 2024 સુધી પેસેન્જર વ્હીકલ બનાવવાની છે. આ વ્હીકલમાં કંપની પોતાની બ્રેકથ્રો બેટરી ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે.