ઈશાન કિશને સિક્સર ફટકારતા આફ્રિકન બોલર શમ્સી ગુસ્સે થયો
વિશાખાપટ્ટનમ, ટી૨૦ સિરીઝમાં ભારતે દક્ષિણ આફ્રીકા સામે બે મેચમાં હારનો સામનો કર્યા પછી ભારતે ત્રીજી ટી૨૦માં મેચ પોતાના નામે કરીને સિરીઝને જીવંત રાખી છે. ગઈકાલની મેચમાં પણ ઈશાન કિશન ઝળક્યો હતો અને તેણે ઋતુરાજ ગાયકવાડ સાથે મળીને ભારતને શાનદાર શરુઆત અપાવી હતી. ભારતે આ મેચ ૪૮ રનથી જીતી લીધી હતી. આ મેચ દરમિયાન ઈશાને ૨ છગ્ગા અને ૫ ચોગ્ગા ફટકાર્યા હતા.
જેમાં એક છગ્ગા દરમિયાન સાઉથ આફ્રીકાના બોલર એવો ઝબકી ગયો કે પોતાના પરથી કાબૂ ગુમાવી દીધો હતો. આ દરમિયાન ઈશાન કિશન અને સાઉથ આફ્રીકાના બોલર વચ્ચે શાબ્દિક તકરારના તણખા ઝર્યા હતા.
કોઈ પણ બોલર જ્યારે પોતાની ઓવરમાં વધારે રન પડે બોલર પર દબાણ વધારવા માટે પ્રયાસ કરતો હોય છે. આવામાં સાઉથ આફ્રિકાના બોલર તબરેઝ શમ્સીના બોલ પર ઈશાને હવાઈ શોટ રમીને બોલને બાઉન્ડ્રીની બહાર મોકલી દીધો હતો.
જે શમ્સીને પસંદ નહોતું પડ્યું અને તે પોતાનો ગુસ્સો ઉતારવા ઈશાનની પાસે પહોંચી ગયો હતો અને કમેન્ટ કરી હતી.
વિશાખાપટ્ટનમના મેદાનમાં ૯મી ઓવરના ચોથા બોલ પર ઈશાન કિશને એક પગલું આગળ વધીને ફ્લેટ છગ્ગો માર્યો હતો અને આ જાેઈને તબરેઝ શમ્સી ઝબકી ગયો હતો. આ પછી તેણે ઈશાન કિશાને કંઈક કહ્યું હતું અને ઈશાને પણ તેનો જવાબ આપી દીધો હતો.
આમ મેદાન પર બે ટીમના ખેલાડીઓ વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી, પરંતુ આફ્રીકા આ બધા પ્રયાસો કરીને પણ ભારતીય બેટ્સમેનોને રોકવામાં સફળ નહોતું થયું અને જંગી સ્કોર સામે સાઉથ આફ્રીકાની ટીમ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. તબરેઝ શમ્સી ઝબકી ગયા પછી પણ ઓવરના અંતિમ બોલ પર ઈશાને ‘દાઝ્યા પર ડામ’ આપતો હોય તેમ છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.
બન્ને ખેલાડીઓ વચ્ચે થયેલી તીખી બોલાચાલીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.ભારતે ત્રીજી ટી૨૦ મેચમાં પહેલા બેટિંગ કરીને ૧૯૭ રનનું લક્ષ્ય સાઉથ આફ્રીકા સમક્ષ મૂક્યું હતું, આ મેચમાં બન્ને ઓપનરે ૯૭ રનની શાનદાર પાર્ટનરશિપ કરી હતી. જેમાં ઋતુરાજ ગાયકવાડે ૩૫ બોલમાં ૫૭ રન જ્યારે ઈશાન કિશને ૩૫ બોલમાં ૫૪ રન બનાવ્યા હતા. આ સિવાય હાર્દિક પંડ્યાએ ૨૧ બોલમાં ૩૧ રન બનાવ્યા હતા.
જેની સામે સાઉથ આફ્રીકાની ટીમ માત્ર ૧૩૧ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી હર્ષલ પટેલે શાનદાર બોલિંગ કરીને ૩.૧ ઓવરમાં માત્ર ૨૫ રન આપીને ૪ વિકેટ લીધી હતી જ્યારે યુજવેન્દ્ર ચહલે ૪ ઓવરમાં ૨૦ રન આપીને ૩ વિકેટ લીધી હતી.SS3KP