ઈસનપુરઃ નારોલ ચાર રસ્તા પર અશ્લીલ વર્તન કરતી મહિલાની અટક
અમદાવાદ : અમદાવાદ શહેરમાં ઈસનપુર વિસ્તારમાં પોલીસે રવિવારે જાહેર રોડ ઉપર બિભત્સ ચેનચાળા કરતી એક મહિલાની અટક કરી છે. ઈસનપુર પોલીસની શી ટીમ ગતરોજ પેટ્રોલિંગમાં કાર્યરત હતી એ સમયે ઈસનપુર-નારોલ બ્રિજ નીચેથી પસાર થતાં બે મહિલા તથા બે પુરૂષો બિભત્સ ચેનચાળા કરતાં નજરે પડ્યા હતા.
ચારેય શખ્સો લોકલાજ વગર જાહેરમાં જ અશ્લીલ હરકતો કરતાં શી ટીમે તેમને ઝડપીને પૂછપરછ કરતાં એક મહિલાનું નામ સાઈના ઉર્ફે ગીતા અતીન બિસ્વાલ (રહે.બળદેવ રબારીનાં મકાનમાં, વેરાઈ પાર્ક, સીતાબાગ,વટવા) જાણવા મળ્યું છે.
આ મહિલા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે ફરીયાદમાં ઊલ્લેખ હોવા છતાં બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેથી ઝડપાયેલા ચાર પૈકી અન્ય ત્રણ વિરૂદ્ધ કોઈ પગલાં લીધાનો ઊલ્લેખ નથી.
અત્રે નોંધનીય છે કે શહેરનો નારોલ વિસ્તાર ખાસ કરીને નારોલ ચાર રસ્તા અસામાજીક પ્રવૃત્તિઓ માટે પંકાયેલો છે. અહીં ખુલ્લેઆમ દેવવિક્રયનો વેપાર ચાલતો હોવા છતાં પોલીસ એકલ દોકલ કેસ કરીને ધાડ માર્યાનો સંતોષ લઈ રહી છે.