ઈસનપુરમાંથી નકલી ઓઈલ બનાવવાનું કારખાનું ઝડપાયું
(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલા એક કારખાનામાં નકલી ઓઈલના વેચાણનું કૌભાંડ પકડાયું છે ઓઈલ કંપનીના અધિકારીઓને જાણ થતાં તેમણે પોલીસને સાથે રાખીને એક ઈસમને ઝડપી ૭૦ હજારથી વધુની કિંમતનો ઓઈલનો જથ્થો જપ્ત કર્યો છે.
આ અંગેની વિગત એવી છે કે મનીષભાઈ પટેલ (ગાંધીનગર)ને કેસ્ટ્રોલ ઓઈલ કંપની તરફથી ગેરકાયદેસર રીતે ઓઈલ વેચાણ થતું હોય તો કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી છે.
મનીષભાઈને કંપની તરફથી ઈસનપુરમાં આવેલા એક કારખાનામાં કેસ્ટ્રોલના નામે નકલી ઓઈલનું ઉત્પાદન થતું હોવાની માહીતી મળી હતી
જેથી તેમણે ઈસનપુર પોલીસના પી આઈ સાંખલા અને તેમની ટીમને સાથે રાખીને ખાન એસ્ટેટ, ચંડોળા તળાવ ખાતે આવેલા સ્ટાર ઓઈલ નામના કારખાનામાં દરોડો પાડયો હતો
જયાં કારખાનાનો માલિક અબ્દુલ રઉફ ઈબ્રાહીમ મેમણ (શાહ આલમ) ડબ્બામાં ઓઈલ ભરતા રંગે હાથ મળી આવ્યો હતો.
પોલીસની ટીમે કારખાનાની તપાસ કરતાં સ્ટાર ઓઈલ સિવાય કેસ્ટ્રોલ કંપનીની પણ અલગ અલગ નકલી પ્રોડકટ મળી આવી હતી પોલીસે ડુપ્લીકેટ ઓઈલનો સિત્તેર હજારથી વધુનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.