ઈસનપુરમાં અસ્થિર મગજની યુવતી ઉપર પાડોશી યુવાન દ્વારા બળાત્કાર
પાડોશી મહિલાને શંકા જતાં ચાલીનાં યુવાનો સાથે તપાસ કરતાં સમગ્ર ઘટના બહાર આવી |
અમદાવાદ: આજકાલ મહિલાઓ તથા યુવતીઓ સાથે જબરદસ્તી કરવાનાં કિસ્સા વધુ પ્રમાણમાં પ્રકાશમાં આવ્યાં છે. મોટેભાગે આવી ઘટનામાં આરોપીઓ સગા અથવા પડોશી કે ઓળખીતા નીકળે છ. ગઈકાલે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં આવી જ એક ફરીયાદ નોંધાઈ છે. જેમાં દાદીનાં ઘરે એકલી રહેતી એક અસ્થિર મગજની યુવતી સાથે પાડોશમાં જ રહેતાં શખ્સે બળાત્કાર કરતાં ચકચાર મચી છે. મધરાતે યુવતીની બુમાબુમ સાંભળી પાડોશી મહિલા નજીકમાં જ રહેતાં યુવાનોને લઇ ઘરમાં જતાં આરોપી ત્યાંથી ભાગી છુટ્યો હતો.
યુવતીની પચાસ વર્ષીય કાકીએ ફરીયાદ નોંધાવી હતી કે પોતે તથા તેમનાં દિયર અલગ અલગ જગ્યાએ રહે છે. તથા મૃત્યુ પામેલા એક દિયરની પુત્રી પોતાની સાસુ સાથે રહે છે. જે અસ્થિર મગજની છે. ત્રીસ વર્ષીય આ યુવતીને પાડોશીઓ જમવાનું આપે છે. મંગળવારે રાત્રે વરસાદ પડતો હતો જેથી પાડોશી મહિલા ઘર બહાર જાવા નીકળતાં આ યુવતીનાં ઘરની લાઈટો બંધ હતી અને અંદર તે જારજારથી બુમાબુમ કરી રહી હતી.
જેથી શંકાનાં આધારે મહિલાએ રાત્રીનાં જ બે યુવાન સાથે યુવતીનાં ઘરે જતાં દરવાજા અંદરથી બંધ હતો. એક યુવાને જાળીમાં હાથ નાંખી દરવાજા ખોલી ત્રણેય મોબાઈલ ટોર્ચનાં અજવાળે યુવતીનાં ઘરમાં દાખલ થયા હતા.
દરમિયાન ચીસો પાડવાનાં અવાજ તરફ આગળ વધતાં અંદરનું દૃશ્ય જાઈ મહિલા સહિત ત્રણેય ચોંકી ગયા હતા. અંદર રૂમમાં યુવતી નગ્ન હાલતમાં હતી જ્યારે ચાલીમાં જ રહેતો અજય રામસીંગ નામનો શખ્સ તેની પર બળાત્કાર ગુજારી રહ્યો હતો.
ત્રણેય અંદર દાખલ થતાં જ અજય ફક્ત ચડ્ડો પહેરેલી હાલતમાં ત્યાંથી ભાગી છુટ્યો હતો. જ્યારે મહિલાએ ચાલીની અન્ય મહિલાઓને બોલાવીને યુવતીને કપડા પહેરાવ્યા હતા. બાદમાં યુવતીનાં પરીવારને જાણ કરતાં તે પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. બાદમાં તેને દવાખાને લઈ જવામાં આવી હતી. જ્યાં યુવતીને કેટલીક ઈજાઓ થઈ હોવાનું ખુલ્યું છે. આ અંગે જાણ થતાં જ ઈસનપુર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બળાત્કારની ફરીયાદ નોંધીને આરોપી અજયની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.