ઈસનપુરમાં પશુઓ ભરેલી ટ્રકો પકડાતા હોબાળો
મ્યુનિ. ઢોર ડબામાંથી બારોબાર અબોલ પશુઓ એનજીઓને આપી દેવાતા હોવાનો માલધારીઓનો આક્ષેપ |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાંથી અબોલ પશુઓને ઉઠાવી તેને કતલખાને મોકલવાના ષડયંત્ર સામે પોલીસતંત્ર અને જીવદયા પ્રેમીઓ સતત નજર રાખતા હોય છે આ પરિસ્થિતિ વચ્ચે આજે શહેરના ઈસનપુર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે જેમાં અબોલ પશુઓને ભરીને જતી બે આઈશર ટ્રકોને માલધારીઓએ જાઈ જતા ભારે હોબાળો મચાવ્યો હતો અને બંને ટ્રકોને આંતરી કાર્યવાહી શરૂ કરી હતી જાકે માલધારીઓને જાઈ આઈશર ટ્રકમાં બેઠેલા શખ્સો ભાગી છુટયા હતાં.
આ ઘટનાથી ઉશ્કેરાયેલા માલધારીઓએ રસ્તા પર ભારે હોબાળો મચાવી ચક્કાજામ કરતાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ભારે જહેમત બાદ ટ્રાફિક પૂર્વવત કર્યો હતો જાકે ત્યારબાદ મોટી સંખ્યામાં માલધારીઓએ ઈસનપુર પોલીસ સ્ટેશને પહોંચી જઈ ભારે હોબાળો કરતા ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતાં. આ ઘટનામાં માલધારીઓએ ચોંકાવનારા આક્ષેપો કર્યાં છે. પ્રાથમિક તપાસમાં આ પશુઓને સુરત લઈ જવાતા હોવાનું જાણવા મળી રહયું છે અને આ એક મોટુ કૌભાંડ હોય તેવો આક્ષેપ કરવામાં આવી રહયો છે પકડાયેલી ગાયો એએમસીના ઢોર પુરવાના ડબ્બામાંથી બહાર કાઢવામાં આવી હોવાનો પણ માલધારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં પશુઓની ચોરી કરી તેને કતલખાને લઈ જવા માટે કેટલીક ગેંગો શહેરમાં રાત્રે ફરતી હોય છે જેની સામે જીવદય પ્રેમીઓ, માલધારીઓ તથા પોલીસતંત્ર એલર્ટ હોય છે આ ઉપરાંત શહેરમાં રાત્રિ દરમિયાન પસાર થતી શંકાસ્પદ ટ્રકોની પણ ચકાસણી કરવામાં આવતી હોય છે કયારેક આવી ટોળકીઓ સાથે ઘર્ષણ પણ થતું હોય છે આ દરમિયાનમાં શહેરના મ્યુનિ. કોર્પો.ના ઢોર પુરવાના ડબ્બામાંથી અબોલ પશુઓને ખાનગી ટ્રસ્ટોને આપવામાં આવતી હોવાની જાણકારી માલધારીઓને મળતા છેલ્લા કેટલાક દિવસોથી વોચ રાખવામાં આવી રહી હતી.
છેલ્લા ત્રણ દિવસથી માલધારીઓ તથા અન્ય જીવદયા પ્રેમીઓ દ્વારા વોચ રાખવામાં આવતા આજે વહેલી સવારે એક ચોંકાવનારી ઘટના ઘટી હતી. ઈસનપુર ચોકડી પાસે શંકાસ્પદ હાલતમાં બે આઈશર ટ્રક પસાર થઈ રહી હતી આ ટ્રકોને જાતા જ માલધારીઓએ તેનો પીછો કર્યો હતો અને બંને આઈશર ટ્રકો અટકાવી હતી. ટ્રકોની અંદર તપાસ કરતા તેમાં અબોલ પશુઓ ભરેલા જાવા મળ્યા હતા
જેના પરિણામે બંને ટ્રકોના ડ્રાયવર અને કલીનરોને ઘેરી લેવામાં આવ્યા હતાં આ ઘટનાથી માલધારીઓમાં ભારે રોષ જાવા મળતો હતો અને પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. અબોલ પશુઓ ભરેલી બે આઈશર ટ્રકો પકડાતા જ માલધારીઓએ ઈસનપુર રોડ પર ભારે હોબાળો મચાવ્યો હતો અને રસ્તા પર ઉતરી આવતા ટ્રાફિકજામ થઈ ગયો હતો.
બીજીબાજુ ઘટનાની જાણ થતાં જ ઈસનપુર પોલીસના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને આઈશર ટ્રક લઈ જતા ચારેય શખ્સોને અટકમાં લઈ લીધા હતાં બીજીબાજુ માલધારીઓએ પણ ભારે હોબાળો કરી મુકયો હતો પરિસ્થિતિને થાળે પાડવા માટે સૌ પ્રથમ રસ્તા પરથી માલધારીઓને હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો અને બંને ટ્રકો અને ચારેય શખ્સોને ઈસનપુર પોલીસ સ્ટેશને લઈ જવાયા હતાં.
ઈસનપુર પોલીસ સ્ટેશને ચારેય શખ્સોની પુછપરછ શરૂ કરવામાં આવી હતી. જાકે બીજીબાજુ માલધારીઓ પણ ઈસનપુર પોલીસ સ્ટેશને પહોચી ગયા હતા અને ત્યાં પણ ભારે હોબાળો મચાવ્યો હતો આ સમગ્ર ગાયો કોર્પોરેશનના ઢોર ડબ્બામાંથી બહાર કાઢી એનજીઓને આપી દેવામાં આવી હોવાનો આક્ષેપ માલધારીઓએ કર્યો હતો. કોર્પોરેશનના ઢોર ડબ્બામાં આ એક મોટુ કૌભાંડ ચાલી રહયું હોવાના આક્ષેપથી પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં.
માલધારીઓએ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠાવી ખૂબ જ ગંભીર આક્ષેપો કરતા અધિકારીઓએ આ દિશામાં કાર્યવાહી શરૂ કરી છે. માલધારીઓ છેલ્લા કેટલાક દિવસોથી મ્યુનિ. ઢોર ડબ્બા પર નજર રાખી રહયા હતા આ દરમિયાનમાં આજે સવારે પકડાયેલી બંને ટ્રકોથી માલધારીઓમાં રોષ ભભુકી ઉઠયો છે. માલધારીઓએ આક્ષેપ કર્યો છે કે આ તમામ ગાયો મ્યુનિ. કોર્પો.ના ઢોર ડબ્બામાં પુરાયેલી છે. આ આક્ષેપથી કોર્પોરેશનના અધિકારીઓ પણ સતર્ક બનેલા છે આજે સવારે ઈસનપુર વિસ્તારમાં આ મુદ્દે ભારે હોબાળો મચેલો છે જાકે કોર્પોરેશન તંત્ર દ્વારા હજુ સુધી આ મુદ્દે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.