ઈસનપુરમાં મહિલા ઉપર એસિડ એટેક- પાડોશી દંપતીનું કૃત્ય
સદનસીબે મહિલા ખસી જતાં બચી ગઈઃ મહિલાને બદનામ કરવાની ધમકી
અમદાવાદ: શહેરનાં ઈસનપુર વિસ્તારમાં એકલ મહિલા પોતાનાં દિકરા સાથે એકલી રહેતી હતી. જેનો લાભ ઊઠાવીને પાડોશી દંપતીએ તેની સાથે સંબંધ કેળવ્યો હતો. જા કે થોડાં સમય અગાઉ તેમની વચ્ચે અણબનાવ થયા બાદ પાડોશી મહિલા તે પોતાનાં પતિ સાથે સંબંધ બનાવવા દબાણ કરતી હતી.
ઉપરાંત સંબંધ ન બાંધે તો મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી આપી એસિડ એટેક પણ કરવામાં આવતાં મહિલા ગભરાઈને પોતાના સંબંધીને વાત કરી હતી. બાદમાં ઈસનપુર પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરીયાદ નોંધાવી હતી. મૂળ વડોદરાની ૩૮ વર્ષીય મહિલાનાં છુટાછેડા પાંચ વર્ષ અગાઉ થયા હતા. બાદમાં છેલ્લા સવા વર્ષથી આ મહિલા પોતાનાં દસ વર્ષીય પુત્ર સાથે ઈસનપુર વિસ્તારમાં રહેતી હતી.
જેનાં કારણે તેમને પાડોશી નિરાલીબેન ચૌહાણ તથા તેમનાં પતિ ધીરજભાઈ ચૌહાણ સાથે ઓળખ થઈ હતી. છેલ્લાં ત્રણ મહિનાથી તેમનાં વચ્ચે સારું બનતું ન હોવાથી તેમણે બોલચાલનો વ્યવહાર બંધ કર્યાે હતો. તેમ છતાં નિરાલીબેન ધૂળેટી અગાઉ અચાનક ઘરમાં ઘૂસીને મહિલાને તું મારા પતિ સાથે શારીરિક સંબંધ કેમ રાખતી નથી ? કહેતાં મહિલા પણ ચોંકી ગઈ હતી. બાદમાં નિરાલીબેને તેમની સાથે ઝઘડો કરીને એસીડ છાંટી ચહેરો બગાડવાની ધમકીઓ આપી હતી.
ત્યારબાદ ધૂળેટીનાં દિવસે આ મહિલા તેમનાં મિત્રો સાથે ધૂળેટી રમીને પરત ફરતી હતી. ત્યારે નિરાલીબેન અને તેનો પતિ ધીરજભાઈ બંને તેમની રાહ જાઈને ઊભા હતા અને મહિલા આવતાં જ મેં તે ત્રણ દિવસ અગાઉ પણ મેં પતિ સાથે શારીરિક સંબંધો રાખવા કહ્યું હતું.
તો સંબંધો રાખતી કેમ નથી કહીને નિરાલીબેને તેમનાં હાથમાં રહેલી બાટલીમાંથી આ મહિલા ઉપર એસિડ છાંટ્યુ હતું. જાકે મહિલા તુરંત ખસી જતાં તે બચી ગયા હતા.
બાદમાં ફરીથી નિરાલીબેનનાં પતિ ધીરજભાઈએ તું મારી સાથે સંબંધ નહીં રાખે તો અમે ઊંચી પહોંચ ધરાવીએ છીએ હું તને જાનથી મારી નાંખીશ એવી ધમકીઓ આપતાં ગભરાયેલી મહિલા ભાગીને ઘરમાં ઘૂસી હતી. બાદમાં સંબંધીઓને જાણ કરીને ઈસનપુર પોલીસ સ્ટેશને પહોંચી હતી. જ્યાં ફરીયાદ નોંધાવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને દંપતીની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં સોસાયટી સહિત તમામ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.