Western Times News

Gujarati News

ઈસનપુરમાં હથિયારોના જથ્થા સાથે પાંચ ઝડપાયા

મધ્યપ્રદેશથી મુખ્ય સુત્રધાર હથિયારોનો જથ્થો અમદાવાદના પાંચેય આરોપીઓને મોકલતો હતો

(પ્રતિનિધિ) અમદાવાદ: રાજયમાં કોરોનાની મહામારી વચ્ચે રાજય સરકાર દ્વારા અપાયેલી છુટછાટો વચ્ચે હવે ગુનેગારો પણ સક્રિય બની ગયા છે શહેરમાં ગુનાખોરીનો આંક વધવા લાગ્યો છે જેના પગલે પોલીસતંત્ર પણ સક્રિય બન્યું છે તમામ અસામાજિક તત્વો પર નજર રાખવામાં આવી રહી છે શહેરમાં રથયાત્રા યોજવી કે નહી તે અંગે ગુજરાત હાઈકોર્ટ અને રાજય સરકારના નિર્ણય પર તમામ નજર રાખી રહયા છે અને ઉત્સુકતા વચ્ચે નિત્યક્રમ મુજબ પોલીસ તંત્ર દ્વારા શહેરભરમાં વિશેષ બંદોબસ્ત ગોઠવી દઈ ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે.

આ દરમિયાનમાં ગઈકાલ મોડી રાત્રે અમદાવાદ ક્રાઈમબ્રાંચના અધિકારીઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઈસનપુર વિસ્તારમાં સફળતા પૂર્વક ઓપરેશન પાર પાડી પ શખ્સોને હથિયારોના જથ્થા સાથે ઝડપી લીધા હતા આરોપીઓની પુછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે જેમાં પકડાયેલા હથિયારો મધ્યપ્રદેશથી એક શખ્સે મોકલ્યા હતા અને પકડાયેલા શખ્સો અમદાવાદ સહિત રાજયભરમાં તેનુ વેચાણ કરતા હતાં. હથિયારો વેચવાનું આ કૌભાંડ પકડાતા પોલીસ અધિકારીઓ પણ સતર્ક બની ગયા છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ સહિત રાજયભરમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહયો છે સતત લોકડાઉન બાદ કેન્દ્ર સરકારે રાજય સરકારોને છુટ આપતા ગુજરાતમાં લોકડાઉન વચ્ચે મહત્વપૂર્ણ છુટછાટો આપવામાં આવી છે અને જનજીવન પુનઃ રાબેતા મુજબ થવા લાગ્યું છે લોકો ઘરની બહાર નીકળવા લાગતા જ દુકાનો અને બજારો પણ ધમધમવા લાગ્યા છે.

આ પરિસ્થિતિમાં   અમદાવાદ શહેરમાં રથયાત્રાને આડે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સુપ્રિમકોર્ટે પુરીની રથયાત્રા પર મનાઈ ફરમાવી છે તેના પગલે હવે અમદાવાદની રથયાત્રા પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે શહેરમાં રથયાત્રા પૂર્વે પોલીસતંત્ર દ્વારા સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવતી હોય છે

લોકડાઉન પછી પુનઃ ધબકતા થયેલા જનજીવન વચ્ચે અને રથયાત્રા પૂર્વે પોલીસતંત્ર એલર્ટ થયું છે બીજીબાજુ અમદાવાદ શહેરમાં ચોરી તથા લુંટફાટની ઘટનાઓમાં વધારો થતા જ પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે. અમદાવાદ શહેરમાં રથયાત્રા પૂર્વે ઠેરઠેર નાકાબંધી કરી દેવામાં આવી છે તથા તમામ શંકાસ્પદ શખ્સોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહયું છે.

અમદાવાદ ક્રાઈમબ્રાંચ દ્વારા પણ શહેરભરમાં નજર રાખવામાં આવી રહી છે આ દરમિયાન ગઈકાલે ક્રાઈમબ્રાંચના અધિકારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદ શહેરમાં હથિયારોનો જથ્થો લાવવામાં આવનાર છે તેના પગલે અમદાવાદ શહેરના છેવાડાના વિસ્તારોમાં અને શહેરમાં પ્રવેશતા તમામ માર્ગો પર વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ દરમિયાનમાં શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલા આવકાર હોલ પાસે પાંચ જેટલા શખ્સો શંકાસ્પદ હાલતમાં જાવા મળ્યા હતાં જેના પગલે ક્રાઈમબ્રાંચના અધિકારીઓ એલર્ટ થઈ ગયા હતા સૌ પ્રથમ આરોપીઓ પાસે હથિયારો હોવાની બાતમીથી ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ સાવચેતીપૂર્વક તમામ આરોપીઓને ઘેરી લીધા હતા.

ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ આ પાંચેય શખ્સોને ઘેરી લીધા બાદ ઝડપી લીધા હતા અને તેઓની તલાશી લેવામાં આવતા આરોપીઓ પાસેથી ૧ રિવોલ્વર, ર તમંચા, ર૦ જેટલા કારતુસો સહિતનો જથ્થો મળી આવતા અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં પકડાયેલા પાંચેય શખ્સોને તાત્કાલિક ક્રાઈમબ્રાંચની ઓફિસમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેઓની પુછપરછ શરૂ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓમાં (૧) વિજય દતુરામ પવાર (રહે. પુનિતનગરના છાપરા ઘોડાસરા (ર) રાહુલ ઉર્ફે તોતો હેંમતભાઈ કુભાર (રહે. કેવલધામ રો હાઉસ, આવકાર હોલ, ઘોડાસર (૩) મનીષ વસંતરાવ ઢોમસે (રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી વિભાગ-૧, મણિનગર (૪) બ્રિજેશ ઉર્ફે ભીંડી (રહે. નીલગીરી સોસાયટી જુના વટવા (પ) જતીન ઉર્ફે પીન્ટુ વિજયભાઈ શાહ (જેના નામ સરનામાની ખબરનથી) નો સમાવેશ થાય છે.

ક્રાઈમબ્રાંચના પોલીસ સબ ઈન્સ્પેકટર વી.એન. ભરવાડ તથા એએસઆઈ ધાર્મિકભાઈ દિનેશભાઈ પોતાના સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા આ દરમિયાન મણિનગર હિરાભાઈ ટાવર ચાર રસ્તા પાસે પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળી હતી જેના આધારે આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ચોંકાવનારી બાબત એ છે કે આરોપીઓ પાસેથી પકડાયેલા કારતુસો અલગ અલગ હથિયારોના છે અને
એક મીસ ફાયર થયેલો કારતુસ પણ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે હથિયારોનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓની પુછપરછ કરતા તેઓએ ચોંકાવનારી વિગતો જણાવી હતી ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ વહેલી સવાર સુધી તમામની પુછપરછ ચાલુ રાખી હતી. પુછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું ેકે પકડાયેલા તમામ પાંચેય આરોપીઓ ગુજરાતમાં હથિયારો ગેરકાયદેસર રીતે સપ્લાય કરતા હતા અને આ હથિયારો મધ્યપ્રદેશના ભીંડથી સોનુ નામનો શખ્સ પહોંચાડતો હતો મધ્યપ્રદેશથી હથિયારો આવ્યા બાદ આ પાંચેય શખ્સો તેનો નિકાલ કરી દેતા હતા અને ગઈકાલે રાત્રે પણ આ હથિયારોનું વેચાણ કરવા માટે એકત્ર થયા હોવાનું જાણવા મળી રહયું છે આમ રથયાત્રા પૂર્વે જ શહેરમાં હથિયારો વેચવાનું ચોંકાવનારું ષડયંત્ર ક્રાઈમબ્રાંચે ઝડપી લીધું છે પાંચેય આરોપીઓને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ આ અંગે મધ્યપ્રદેશ પોલીસને પણ જાણ કરી છે અને ભીંડમાં રહેતા સોનુ નામના મુખ્ય સુત્રધારને ઝડપી લેવા માટે તજવીજ શરૂ કરી છે આ અગાઉ આ આરોપીઓએ કોને કોને હથિયારો આપ્યા છે તે અંગે પણ પુછપરછ શરૂ કરવામાં આવી છે. બીજીબાજુ મુખ્ય સુત્રધાર સોનુને ઝડપી લેવા માટે ક્રાઈમબ્રાંચની એક ટીમ મધ્યપ્રદેશ જાય તેવુ પણ જાણવા મળી રહયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.