ઈસનપુર તથા સરદારનગરમાં KYC અપડેટ કરવાનું કહી કુલ સવા ત્રણ લાખની ઠગાઈ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ગત કેટલાંક દિવસોથી શરૂ થયેલી ઓનલાઈન છેતરપીડીની ફરીયાદો હવે અટકવાનું નામ લેતી નથી. ત્યારે નાગરીકોને લીંક મોકલીને તથા કેવાયસી અપડેટ કરવા સહિત વિવિધ બહાના કરીને તેમને જાળમાં ફસાવીને બેંકની માહિતી લઈ લીધા બાદ તેમના બેંક ખાતામાંથી રૂપિયા સાફ કરી લેવામાં આવે છે. આવી જ વધુ બે ફરીયાદો ઈસનપુર અને સરદારનગર વિસ્તારમાંથી સામે આવી છે.
ઈસનપુર શ્રીનોથ બંગ્લોઝમાં રહેતા નિકુંજ દિનકરભાઈ દેસાઈ નારોલ ખાને પ્લાસ્ટીકનું કારખાનું ધરાવે છે. તેમના વિવિધ બેંકોમાં કારખાનાના ખાતા આવેલા છે. ગઈ તા.ર૧મી એેપ્રિલે તેમને અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને પીટીએમના કર્મચારી તરીકે ઓળખ આપીને કેવાયસી અપડટે કરવા કહ્યુ હતુ. અને સંજય (દિલ્લી) નામના શખ્સે તેમને જાળમાં ફસાવી ત્રણ બેંકોની માહિતી લઈ લીધી હતી. અને લીંક મોકલી હતી અને તે ઓપન કરવા કહ્યુ હતુ. બાદમાં એ જ દિવસ બપોરે તેમને બેંકમાંથી રૂપિયા ઉપાડવાના મેસેજ આવ્યા હતા.
જેથી બેંકમાં તપાસ કરતા કેવાયસી અપડેટ કરવાના બહાને ગઠીયાએ તેમની બેંકમાંથી કુલ સવા બે લાખ રૂપિયા ઉપાડી લીધા હતા.
જ્યારે સરદારનગર રાધે રેસીડેન્ટસીમાં રહેતા હરેશભાઈ પણ પેટીએમના કર્મચારીની ઓળખ આપી કેવાયસી અપડેટ કરવાનું કહીને વાત કરી હતી. જા કે હરેશભાઈએ ફોન કાપી નાંખ્યો હતો. દરમ્યાન આ શખ્સે ફરી ફોન કર્યો હતો. અને તેની સાથે વાત કરતા કરતાં જ તેમના ક્રેડીટ કાર્ડમાંથી ૯૯ હજાર રૂપિયાની ખરીદી કરી લીધી હતી. જેની ફરીયાદ તેમણે નોંધાવી છે.