ઈસનપુર પોલીસે ત્રણ તોડબાજ હોમગાર્ડ જવાનોને ઝડપી લીધા
બે વ્યક્તિને કેસ કરવાની ધમકી આપી નવ હજાર રૂપિયા પડાવ્યા હતા
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના ઈસનપુર વિસ્તારમાં મોડી રાત્રે પોઈન્ટ પર ઉભેલા ત્રણ હોમગાર્ડ જવાનોએ બે વ્યક્તિને રોકી કેસ કરીને ત્રણ મહીના જેલમાં પુરી દેવાની ધમકી આપીને રૂપિયા નવ હજાર પડાવવાનો કિસ્સો સામે આવતા ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે. ફરીયાદ મળતાં જ પોલીસે તાબડતોબ ત્રણેય હોમગાર્ડ જવાનની અટક કરી છે.
આ ઘટનાની વિગત એવી છે કે વટવા, મુરલીધર સોસાયટીમાં રહેતા અનુપસીંગના બનેવી સત્યેન્દ્રસીંગ તેમના વતન ઉત્તરપ્રદેશ ખાતેથી શુક્રવારે સવારે ૩ વાગ્યે કાલુપુર રેલવે સ્ટેશન પહોચ્યા હતા જેમને લઈને અનુપસીંગ મોટર સાયકલ પર પોતાના ઘરે પરત ફરતા હતા ત્યારે સવા ચાર વાગ્યાના સુમારે ઈસનપુર ગોવિંદવાડી ચાર રસ્તા પહોચતા ત્રણ ખાખી વર્દીવાળા જવાનોએ તેમને રોકીને ધમકાવ્યા હતા. ઉપરાંત લાયસન્સ વગર ગાડી જમા લેવાની ઉપરાંત પોલીસ સ્ટેશને લઈ જઈ કેસ કરવાની ધમકીઓ આપી હતી ઉપરાંત અનુપસીંગને દંડા વડે માર્યા પણ હતા બાદમાં કેસ નહી કરવા માટે તેમની પાસેથી દસ હજાર રૂપિયા માંગ્યા હતા. જાેકે અનુપસિંગ પાસે તે નહી હોવાથી તેમના બનેવી સત્યેન્દ્રસિંગને લઈ એક જવાન ગોવિંદવાડી નજીકના એટીએમમાં લઈ ગયો હતો જયાંથી નવ હજાર રૂપિયા લઈ પરત આવ્યો હતો.
ત્યારબાદ તેમને પોલીસ કેસ થયો હોત તો બંનેને ત્રણ મહીનાની જેલ થાત એમ કહીને જવા દિધા હતા. આ ઘટના બાદ અનુપસિંગે પોલીસને જાણ કરતાં ઈસનપુર પોલીસે તાત્કાલીક પગલાં ભરતા ગોવિંદવાડી ખાતે હાજર રહેલા હોમગાર્ડના જવાન સુનીલ દિનેશભાઈ વાઘેલા, અક્ષય શ્રીમાળી તથા આકાશ મોરેની અટક કરી હતી અને તેમના વિરૂધ્ધ ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી આ અંગે પીઆઈ રાણાએ જણાવ્યું હતું કે ફરીયાદીએ ત્રણેયની ઓળખ કરી છે હવે આગળની તપાસ ચાલુ છે.