ઈસરોએ અવકાશ વિજ્ઞાન, તકનિક અને સંશોધન ક્ષેત્રે વિક્રમ સારાભાઇ પત્રકારત્વ પુરસ્કાર જાહેર કર્યો
નવી દિલ્હી, ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા તરીકે ઓળખાતા ડૉ.વિક્રમ સારાભાઇના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે ઇસરોએ પત્રકારત્વમાં બે કક્ષાના પુરસ્કારો જાહેર કર્યા છે. અવકાશ વિજ્ઞાન, તકનિકો અને સંશોધન ક્ષેત્રમાં સક્રીયપણે યોગદાન આપનારા પત્રકારોને સન્માનિત અને પુરસ્કૃત કરવા ઇસરોએ “અવકાશ વિજ્ઞાન, તકનિક અને સંશોધનમાં વિક્રમ સારાભાઇ પત્રકારત્વ પુરસ્કાર”ની જાહેરાત કરી છે. તેના માટે નામાંકનો તમામ ભારતીયો માટે ખુલ્લા છે જે પત્રકારત્વ ક્ષેત્રમાં સારો અનુભવ ધરાવે છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)એ જણાવ્યું હતું કે વર્ષ 2019થી 2020 દરમિયાન પ્રકાશિત થયેલા લેખોને આ પુરસ્કાર માટે ધ્યાન પર લેવામાં આવશે.
આ પુરસ્કારોની બે કક્ષા છે. તેમાં પ્રથમ કક્ષામાં રૂ. 5,00,000નું રોકડ ઇનામ, પદક અને પ્રશંસાપત્ર આપવામાં આવશે અને પ્રિન્ટ માધ્યમમાંથી બે પત્રકારો અથવા ફ્રીલાન્સરની પસંદગી કરવામાં આવશે. ઉમેદવારોના નામાંકનનો નિર્ણય વર્ષ 2019થી 2020 દરમિયાન ભારતમાં લોકપ્રિય સામાયિકો, વિજ્ઞાન સામાયિકો અથવા જર્નલમાં હિંદી, અંગ્રેજી અથવા પ્રાદેશિક ભાષાઓમાં પ્રકાશિત થયેલા લેખો અથવા સાફલ્ય ગાથાના આધારે લેવામાં આવશે.
જ્યારે બીજી કક્ષાના પુરસ્કારમાં રૂ. 3,00,000, રૂ. 2,00,000 અને રૂ. 1,00,000ના ત્રણ રોકડ ઇનામો અને પ્રિન્ટ માધ્યમના દરેક પત્રકારો અથવા ફ્રીલાન્સરો માટે પ્રશંસાપત્રનો સમાવેશ થાય છે. તેના માટે પસંદગી પ્રસ્તાવમાં દર્શાવ્યાં અનુસાર એક વર્ષ દરમિયાન ભારતમાં લોકપ્રિય સમાચારપત્રો અથવા સમાચાર સામાયિકોમાં હિંદી, અંગ્રેજી, પ્રાદેશિક ભાષાઓમાં પ્રકાશિત થયેલા લેખો અથવા સાફલ્ય ગાથાના આધારે કરવામાં આવશે. પસંદ કરાયેલા ઉમેદવારોના નામોની જાહેરાત 1લી ઓગસ્ટ, 2020ના રોજ કરવામાં આવશે.