Western Times News

Gujarati News

ઈસ્કોન-એરપોર્ટ BRTS સેવાનો ફરીવાર પ્રારંભ

અમદાવાદ, શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયા બાદ એરપોર્ટ બંધ કરી દેવાતા મહાનગરપાલિકાની એરપોર્ટ બસ સેવા પણ બંધ કરાઈ હતી. જેનો સોમવારથી ઈલેક્ટ્રિક બસ સાથે પુનઃપ્રારંભ થશે. મહાનગપાલિકાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વિદેશ જતાં અને આવતા મુસાફરોની સુવિધા માટે બીઆરટીએસ શરૂ કરવામાં આવી હતી. પરંતુ મહામારીના કારણે તમામ દેશોમાં હવાઈ મુસાફરી પર પ્રતિબંધ મૂકાતા અમદાવાદ એરપોર્ટ પર થોડા સમય માટે બંધ કરવામાં આવ્યું હતું અને બસ સેવા પર રોકી દેવાની ફરજ પડી હતી.

વિશ્વના દેશોએ કોવિડ-૧૯ની રસી લીધી હોય તેવા મુસાફરોને પ્રવેશ આપવાનું નક્કી કર્યું છે ત્યારે એરપોર્ટ પર પણ ધસારો વધ્યો છે. તેથી, મહાનગરપાલિકાએ બસ સેવા શરૂ કરવાનું નક્કી કર્યું છે.

અગાઉ બીઆરટીએસની ડીઝલ બસ મૂકવામાં આવી હતી, જાે કે હવે સીસીટીવી અને એસી જેવી સુવિધાથી સજ્જ ઈલેક્ટ્રોનિક બસ મૂકવામાં આવી છે.

આ બસ ઈસ્કોન ક્રોસ રોડથી ઉપડશે અને રામદેવનગર, ઈસરો, સ્ટાર બજાર, જાેધપુર રોડ ચાર રસ્તા, હિંમતલાલ પાર્ક, અંધજન મંડળ, યુનિવર્સિટી, મેમનગર, વાળીનાથ ચોક, સોલા ચાર રસ્તા, જયમંગલ, પ્રગતિનગર, અખબારનગર, ભાવસાર હોસ્ટેલ, રાણિપ ચાર રસ્તા અને આરટીઓ જઈને એરપોર્ટ જશે.

એએમસીના ઉચ્ચ અધિકારીઓએ હાલમાં જ પુષ્ટિ કરી હતી કે ૧૯ કિમીના રૂટમાં ૧૫ જેટલી બસ મૂકવામાં આવશે. એએમસીનો અંદાજ દર્શાવે છે કે, એસવીપીઆઈ એરપોર્ટ પરથી ૯ હજાર મુસાફરો પરિવહન કરે છે અને શટલ બસ સેવા યાત્રિઓ માટે શહેરના વિવિધ ભાગોમાં જવા માટે ઉપયોગી થશે.

મહાનગરપાલિકાના કમિશનર મુકેશ કુમારે જણાવ્યું હતું કે, ‘અમે નોંધ્યું હતું કે, એરપોર્ટ પરથી બહાર નીકળ્યા બાદ કેટલાક મુસાફરોને ટેક્સી મેળવવા માટે થોડે દૂર ચાલવું પડે છે. કેટલાક તેમના સામાન સાથે તાજ હોટેલ સુધી ચાલતા હોય છે. તેથી, બસ સેવા શરૂ કરવામાં આવી રહી છે’.

બસમાં મુસાફરી કરવાનો ટિકિટ દર ૫૦ રૂપિયા જેટલો રાખવામાં આવ્યો છે, જેની ચૂકવણી રોકડ અથવા ડિજિટલ પેમેન્ટ અથવા જન મિત્ર કાર્ડ દ્વારા કરી શકાશે. શટલ બસ સર્વિસ સવારે ૬ વાગ્યાથી રાતના ૧૧ વાગ્યા સુધી મળશે, જે દર ૩૦ મિનિટે આવશે.

જૂન ૨૦૧૭માં, બસ સેવા કર્ણાવતી ક્લબથી એસવીપીઆઈ સુધીના ૨૨ કિમીના માર્ગને આવરી લેતી બસ સેવા શરૂ કરવામાં આવી હતી. આ સેવા આશરે ૧૬ મહિના પછી ઓક્ટોબર, ૨૦૧૮માં ઓછા ઉપયોગના કારણે બંધ કરવામાં આવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.