ઈ મેમાની રકમમાં વધારા બાદ લોકો નિયમ પાળતા થયા
અમદાવાદ, થોડો સમય લાગ્યો પરંતુ આખરે આમદાવાદીઓ શીખી ગયા કે લાઈન ક્રોસ કરવી કેટલી મોંઘી પડે છે. આપણે અહીં વાત શહેરના રસ્તાઓ પર આવેલ ટ્રાફિક સ્ટોપ લાઇનની કરી રહ્યા છીએ. શહેરના તમામ મોટા ચાર રસ્તાઓ પર સીસીટીવી કેમેરા દ્વારા દેખરેખમાં વધારો અને આ નિયમનું ઉલ્લંઘન કરનારાઓ પર લાદવામાં આવેલા ભારે દંડથી એ સુનિશ્ચિત થયું છે કે હવે અમદાવાદીઓ તેમના વાહનોને ઝેબ્રા ક્રોસિંગ પર જઈને ઉભા રાખવાના બદલે સ્ટોપ લાઇન પર જ બ્રેક મારી દે છે.
છેલ્લા છ વર્ષોમાં સ્ટોપ લાઇન ઉલ્લંઘનના કેસની સંખ્યામાં ૯૩% ઘટાડો થયો છે. જે ૨૦૧૬ માં ૯૧,૨૫૭ કેસ હતા તેની સામે ૨૦૨૧ માં ૬,૨૪૦ કેસ થયા છે. તેમ શહેર ટ્રાફિક પોલીસનો ડેટા દર્શાવે છે. ટ્રાફિક પોલીસનું કહેવું છે કે લોકો સીસીટીવી કેમેરામાં કેદ થવાના ડરથી સ્ટોપ લાઈન પર જ ઉભા રહેતા થયા છે.
ટ્રાફિક વિભાગના જેસીપી મયંક ચાવડાએ જણાવ્યું હતું કે, છેલ્લા ૨-૩ વર્ષોમાં અમે શહેરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા સંચાલિત સીસીટીવી સર્વેલન્સમાં વધારો કર્યો છે. આને કારણે ઈ-મેમો આપવાની સંખ્યામાં પણ વધારો થયો છે. તેમણે આગળ કહ્યું કે અમે શહેરના ૨૧ ટ્રાફિક જંકશનથી સીસીટીવી કવરેજ વધારીને ૪૫ મહત્વના જંકશન સુધી લઈ ગયા છીએ. અગાઉ મુસાફરો ઝેબ્રા ક્રોસિંગ સુધી તીવ્ર ઝડપ સાથે આગળ આવી જતા હતા.
પરંતુ હવે, તેઓ સિગ્નલની નજીક આવતાંની સાથે ધીમા પડી જાય છે અને સ્ટોપ લાઇન પહેલાં અટકી જાય છે. રેડ લાઇટ વાયોલેશન ડિટેક્શન સિસ્ટમમાં શક્તિશાળી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાહનોની ઇમેજ કેપ્ચર કરે છે જ્યારે તેનું અલ્ગોરિધમ વાહનની સ્થિતિ અને અગાઉ આપવામાં આવેલી સ્ટોપ લાઇનથી અંતરની ગણતરી કરીને કોણે નિયમ તોડ્યો છે તે શોધી કાઢે છે.
આ ઉપરાંત કોવિડ માહામારીના કારણે લાદવામાં આવેલા નિયંત્રણોથી પણ છેલ્લા બે વર્ષમાં એકંદર ટ્રાફિકના ગુનાઓમાં ઘટાડો થયો હોવાનું ચાવડાએ જણાવ્યું હતું. સ્ટોપ લાઇન ઉલ્લંઘનના કેસોમાં ઘટાડો થવા ઉપરાંત આમદાવાદીઓ હવે રસ્તા પર લેન નિયમનું પાલન કરવાનું પણ શરૂ કર્યું છે. ટ્રાફિક સિગ્નલે ઉભા રહેતા લેન ઉલ્લંઘનના ૨૧,૦૩૪ કેસ નોંધાયા હતા. શહેર ટ્રાફિક પોલીસે ૨૦૧૬ માં શહેરમાં લેન ઉલ્લંઘન મામલે કુલ ૨૧,૦૩૪ કેસ નોંધ્યા હતા.
જેની સામે ૨૦૨૧ માં આ આકંડો ઘટીને ૧,૫૩૨ કેસ થઈ ગયો જેમાં પણ લગભગ ૯૩% નો ઘટાડો સૂચવી રહ્યો છે. વરિષ્ઠ ટ્રાફિક પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા ટ્રાફિક નિયમ અમલીકરણ ડ્રાઇવ શરૂ કર્યા પછી અને નિયમો તોડનાર લોકો પાસેથી ભારે દંડ વસૂલવાનું શરું કર્યા પછી લોકોએ તેમના પોતાના લેનમાં વાહન ચલાવવાનું અને સિગ્નલ પર ઝેબ્રા લાઈન ક્રોસ કરવાનું બંધ કર્યું છે.”
૨૦૧૯ માં કેન્દ્ર દ્વારા મોટર વાહન અધિનિયમમાં સુધારાને પગલે ટ્રાફિક દંડમાં ભારે વધારો કરવામાં આવ્યો હતો. જેનાથી ગુનાઓમાં ઘટાડો થયો છે” તેમ અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. ખાનગી શાળામાં કામ કરતા અમિત ઠાકુરે જણાવ્યું હતું કે “ઝેબ્રા ક્રોસિંગ પર મારી કાર રોકવા બદલ મને પાંચવાર ઈ મેમો મળ્યા હતા. ત્યારથી મે દંડ ન થાય તે માટે બરાબર સ્ટોપ લાઇનની પહેલાં કારને બ્રેક મારવાનું શરું કરી દીધું છે.SSS