Western Times News

Gujarati News

ઉંચુ વળતર આપવાની લાલચ આપી રૂપિયા પડાવનાર ૩ આરોપી પકડાયા

સાયબર ક્રાઈમનું કોલકત્તામાં સફળ ઓપરેશન

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરનાં નાગરીકોને ગયા વર્ષે ઉંચુ વળતર આપવાનાં બહાને ઈન્વેસ્ટમેન્ટ કરાવી રૂપિયા ૮ લાખ ચાંઉ કરી જવાની ઘટના સામે આવી હતી. આ ફરિયાદની તપાસ કરતાં સાયબર ક્રાઈમ પોલીસની ટીમે કોલકત્તાથી ત્રણ શખ્શોની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે.

ભોગ બનનાર વ્યક્તિઓ પાસેથી રૂપિયા આઠ લાખ જેટલી રકમ મેળવ્યા બાદ આરોપીએ તેમને વળતર કે નાણાં પરત આપ્યા ન હતા ત્યારબાદ તપાસ પીઆઈ સરોદે પાસે આવતા તેમની ટીમે મોબાઈલ નંબર તથા બેંક એકાઉન્ટની માહીતી મેળવી હતી જેનો અભ્યાસ કરતા આરોપીઓ પશ્ચિમ બંગાળના કોલકત્તા શહેરમાં હોવાની જાણ થઈ હતી વધુમાં આરોપીઓ કોલકત્તાની આસપાસથી જ પોતાની ગુનાઈત પ્રવૃતિ આચરતા હોવાની ચોંકાવનારી માહીતી સામે આવતા સાયબર ક્રાઈમ પોલીસની એક ટીમ ત્યાં પહોચી હતી અને મહમદ મુકમ્મલહુસેન ઐશમહંમદ, તીલક પાંડે તથા શીબશંકર રાણાને (ત્રણેય રહે. કોલકત્તા) ઝડપી લીધા હતા.

ઉપરાંત તેમની પાસેથી ગુનામાં વપરાયેલા સાધનો ઉપરાંત મોબાઈલ ફોનો કબ્જે કર્યા હતા. પુછપરછમાં પોતે બંધન ટ્રેડ નામની કંપની ખોલીને લોકોને રોજનું ૧ થી ર ટકા જેટલું ઉચું વળતર ર૦૦ દિવસ સુધી મળશે અને ઈન્વેસ્ટ કરેલી રકમ ૪ ગણી થઈ જશે તેવી લાલચ આપતાં હોવાની કબુલાત કરી હતી.

સાયબર ક્રાઈમની ટીમે ૪ દિવસ કોલકત્તામાં ધામા નાખ્યા
આ અંગે વાત કરતાં પીઆઈ સરોદેએ જણાવ્યું હતું કે ટેકનીકલ સર્વે બાદ સાયબર ક્રાઈમમાંથી છ લોકોની ટીમ કોલકત્તા ખાતે મોકલવામાં આવી હતી એ દરમિયાન ઝીણવટપૂર્વકનું નિરીક્ષણ કરીને બાકીની માહીતી પણ એકત્ર કરવામાં આવી હતી. મુખ્ય આરોપી મુકમ્મલહુસેન પોતે એન્જીનીયર છે જયારે બાકીના બંને બાર પાસ છે અને ચારેક મહીનાથી આ ગુનાઈત પ્રવૃત્તિમાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.