ઉંઝા શહેરમાં રૂ.39 કરોડના ખર્ચે તૈયાર થનાર ટીપી રોડનું ખાતમુહૂર્ત
મુખ્યમંત્રીશ્રીના હસ્તે તથા નાયબ મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉંઝા એ.પી.એમ.સીના બ્રાહ્મણવાડા ખાતે અદ્યતન માર્કેટ યાર્ડના નવીન પ્રક્લ્પ
-: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી :-
- આ સરકાર ખેડૂતોની સરકાર છે હમેશાં ધરતીપુત્રોના હિત માટે પ્રતિબધ્ધ છે
- બ્રાહ્મણ વાડા ખાતે નિર્માણ થનાર આધુનિક માર્કેટ યાર્ડ વિશ્વ કક્ષાની સવલત વાળું બનશે
- ખેડૂતોના હિતમાં માત્ર રૂ. ૪.૭૬ કરોડના રાહત દરે માર્કેટ યાર્ડ માટે જમીન પુરી પાડી છે
- શૂન્ય ટકા વ્યાજે ખેત ધિરાણ – રૂ. પ૦૦ કરોડનું રિવોલ્વીંગ ફંડ – રૂ. ર૭૦૦ કરોડના પાક વીમા ચૂકવણીથી ગુજરાત સરકાર ખેડૂતોની હામી બની છે
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વ પ્રસિધ્ધ ઊમિયા ધામ ઊંઝાના બ્રાહ્મણવાડામાં નિર્માણ થનારા ઊંઝા APMCના અદ્યતન માર્કેટ યાર્ડનો શિલાન્યાસ કરતાં રાજ્ય સરકાર ખેડૂતોના હિત માટે પ્રતિબધ્ધ છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો હતો.
તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, ખેડૂતોને પોતાની ઉપજના પોષણક્ષમ ભાવ મળે, આધુનિક ખેત સુવિધાઓ તેમજ ઉત્પાદનના સંગ્રહ માટે કોલ્ડ સ્ટોરેજ, માર્કેટ યાર્ડ અને વેલ્યુએડીશનની વ્યવસ્થાઓ આ સરકારે કિસાન હિતલક્ષી અનેક પગલાંઓથી કરી છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે બ્રાહ્મણવાડા ખાતે નિર્માણ થનાર આધુનિક માર્કેટ યાર્ડ વિશ્વ કક્ષાની સવલતવાળું બનશે. આ માર્કેટ યાર્ડ માટે રૂ.૬૯ કરોડની જમીન આ સરકારે ખેડૂતોના હિતમાં માત્ર રૂ. ૪.૭૬ કરોડના રાહત દરે પુરી પાડી છે.
આ માર્કેટ યાર્ડમાં ગોડાઉનો,શોપ-કમ-ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજ, પ્રોસેસીંગ પ્લાન્ટ, ઓફિસ અને ભોજનાલાય જેવી સુવિધાઓ બનાવવામાં આવશે. જે રોડ, પાણી, ઇલેક્ટ્રીફીકેશન, ડ્રેનેજ, ઓકશન શેડ, ગેટ સાથેની કમ્પાઉન્ડ વોલ જેવી વિવિધ માળખાકીય અધતન સુવિધાઓથી સજ્જ હશે.
મુખ્યમંત્રીશ્રીએ એશિયાના સૌથી મોટા આ માર્કેટ યાર્ડમાં જીરૂ, વરિયાળી, રાયડો જેવી ખેતપેદાશો વેચવા આવતો ખેડૂત આ ખેત પેદાશોના વૈશ્વિક બજાર ભાવ પણ સરળતાએ ઓનલાઇન જોઇ શકે અને વેચાણ કરે તેવી સુદ્રઢ વ્યવસ્થા વિકસાવવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં સિંચાઇનો વ્યાપ વધારવા સુજલામ સુફલામ, સૌની યોજના સહિત અનેક સિંચાઇના વિકલ્પો ઉભા કર્યા છે જેનો લાભ ગુજરાતના ખેડૂતો લઇ રહયા છે. સાથો સાથ ખેડૂતોને તેમની જુદી જુદી ઉપજના વ્યાજબી ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવથી 8000 કરોડ રૂપિયાની ખરીદી કરી ખેત ઉત્પાદનોનો પુરતો ભાવ આપ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વચેટીયાઓને દુર કરી આ વર્ષે રૂ.3000 કરોડની પારદર્શક રીતે ખરીદી કરી સીધા પૈસા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે. એટલુંજ નહિ ખેડૂતોની ચિંતા કરનાર આ સરકારે ખેડૂતોને પાણી, ખાતર ,બિયારણ તથા શૂન્ય વ્યાજ દરે ધિરાણ ઉપલબ્ધ કરાવ્યું છે તે માટે રૂ. 500 કરોડનું રીવોલ્વીંગ ફંડ પણ ઉભું કર્યું છે તેની ભૂમિકા તેમણે આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં આ વર્ષે ખેડૂતોને સૌથી વધુ રૂપિયા 2700 કરોડના પાક વીમાની ચુકવણી કરવામાં આવી છે અને ધરતીપુત્રોની પડખે સરકાર ઊભી રહી છે.
નાયબ મુખ્યમંત્રી શ્રીનીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, ઉંઝા માર્કેટ યાર્ડે સહકારી ક્ષેત્રને ગૌરવ અપાવ્યું છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ 2022 માં ખેડૂતોની આવક બમણી કરવાનો જે લક્ષ્યાંક રાખ્યો છે આ લક્ષ્યાંક સિધ્ધ કરવાનું માધ્યમ માર્કેટ યાર્ડ છે ત્યારે ખેડૂતોની જરૂરીયાતો પરીપુર્ણ કરવા અને વિસ્તૃતીકરણ પણ જરૂરી હોઇ ઉંઝા માર્કેટયાર્ડના અધતન સુવિધાવાળા માર્કેટયાર્ડનું બ્રાહ્ણણવાડા ખાતે ખાતમુર્હુત કરવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું કે,. નાના ગામડાથી ગ્લોબલ માર્કેટમાં વૈશ્વીક સ્પર્ધા કરી શકે તેવી આગવી તાકાત અને ક્ષમતા સહકારી ક્ષેત્ર ધરાવે છે. ત્યારે માર્કેટ યાર્ડના વિકાસ માટે સરકાર હમેશાં કટિબધ્ધ રહી છે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ખેડૂતોના પાકને વરસાદ જેવી કુદરતી આફતોથી રક્ષણ પુરૂ પાડવા આ અધતન માર્કેટયાર્ડ તમામ સુવિધાઓ પુરી પાડશે.
સહકાર રાજય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં સહકાર વિભાગ દ્વારા કામ થઇ રહ્યું છે. સહકાર વિભાગની વિવિધ યોજનાઓનો ખેડૂતોને સીધો લાભ મળી રહ્યો છે.એ.પી.એમ.સી માર્કેટ યાર્ડોને સરકારશ્રીના સહકાર વિભાગ દ્વારા સહયોગ અપાઇ રહ્યો છે. તેમણે ઉંઝા વિકાસની નવીન ઉંચાઇઓ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, સરકારે સતત ખેડૂતોની ચિંતા કરી છે. તાલુકે તાલુકે માર્કેટ યાર્ડોના નિર્માણ દ્વારા ખેડૂતોને લાભ થઇ રહ્યો છે.નવીન એપીએમસીનો સીધો ફાયદો ખેડૂતોને થવાનો છે તેમ ઉમેર્યું હતું.
ઉંઝા માર્કેટ યાર્ડ એશિયાનું નંબર વન માર્કેટયાર્ડ છે. જેમાં વિવિધ કૃષિ ઉત્પાદનોનો વાર્ષિક રૂ.4500 કરોડ રૂપિયાનો વેપાર થાય છે. આ ઉપરાંત અન્ય રાજ્યોના ખેડૂતો કૃષિ ઉત્પાદનોના વેચાણ અર્થે આવતા હોવાથી બ્રાહ્મણવાડા ખાતે નવીન માર્કેટ યાર્ડના નિર્માણ માટેની જોગવાઇ કરેલ છે..
ઉંઝા માર્કેટ યાર્ડ એક લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે. બ્રાહ્મણવાડા ખાતે નવીન માર્કેટ બનવાના કારણે વધુ લોકોને રોજગારીની તકો મળશે.
મુખ્યમંત્રીશ્રી તથા નાયબ મુખ્યમંત્રીશ્રીએ પ્રસિધ્ધ ઉમિયા માતાજીના મંદિરની મુલાકાત લઇ માતાજીની પૂજન અર્ચન કરી ગુજરાતના વિકાસ અને સમૃધ્ધિ માટે આશીર્વાદ મેળવ્યા હતા અને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, આગામી સમયમાં યોજાનાર લક્ષચંડી યજ્ઞ માટે રાજ્ય સરકાર પુર્ણ સહયોગ આપશે. ખેડુત પ્રતિનિધિઓ-વેપારી પ્રતિનિધિઓ તેમજ અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરવામાં આવ્યું હતુ. ધારાસભ્યશ્રી આશાબેન પટેલે મુખ્યમંત્રીશ્રી,નાયબ મુખ્યમંત્રીશ્રી સહિત મહાનુંભાવોને રક્ષા બાંધી તેમનું અભિવાદન કર્યું હતું. અને સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ઉંઝા વિસ્તારમાં વિકાસના સૌથી વધુ કામો થાય તેવા મારા સતત પ્રયાસો રહેશે.
આ પ્રસંગે સાંસદ શ્રી શારદાબેન પટેલ, ધારાસભ્ય સર્વેશ્રી રમણભાઇ પટેલ, ઋષિકેશભાઇ પટેલ, બાબુભાઇ જે પટેલ, કરશનભાઇ સોલંકી, એ.પી.એમ.સી ના ચેરમેન દિનેશભાઇ પટેલ, મહેસાણા એ.પી.એમ.સી ચેરમેન ખોડાભાઇ પટેલ, વાઇસ ચેરમેન શિવમભાઇ રાવલ, ભાજપ મહામંત્રી કે.સી.પટેલ, અગ્રણી સી.કે.પટેલ, જુગલજી ઠાકોર, નટુજી ઠાકોર, અગ્રણી નીતિનભાઇ પટેલ, રજિસ્ટ્રાર શ્રી નલીનભાઇ ઉપાધ્યાય, જિલ્લા કલેકટર એચ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, સહિત અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તેમજ પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.