ઉકાઈ ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડાશે
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
સુરત, હવામાન વિભાગના આગાહીને પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં સૌથી વધુ સુરત જિલ્લામાં ઉંમરપાડામાં ૧૨ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના કારણે સુરત શહેર અને ઉપરવાસમાં ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક સતત વધતા આજે બપોરે ડેમમાંથી ૧ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક ૧૮૮૧૬૨ ક્યુસેક થતા ડેમની સપાટી વધી રહી છે.
મીડિયા રિપોર્ટ મુજબ હાલ ડેમમાંથી ૬૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જોકે બપોરે બાદ ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં તબક્કાવાર ૧ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. તંત્ર દ્વારા કોઈએ ગભરાવવાની જરૂર નથી તેમજ કોઈપણ પ્રકારની અફવાહ પર ધ્યાન ન આપવા માટેની અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે કોઝવે પણ ઓવરફ્લો થઈ રહ્યા છે. હવામાન વિભાગ મુજબ રાજસ્થાન ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જ્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર આમ એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા હજુ બે દિવસ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
હાલ સુરત અને આણંદ જિલ્લામાં ૧૨ ઈંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ દક્ષિણ ગુજરાતના તમામ તાલુકામાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં સુરત જિલ્લાના ઉમરાપાડામાં ૧૨ ઈંચ જ્યારે બારડોલીમાં ૫ ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો કેટલીક નદીઓમાં પૂર આવ્યા છે. સુરત શહેરના પરવત પાટીયા વિસ્તારમાં ઘરોમાં કમર સુધી પાણી ભરાયા છે. તો કેટલીય જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ફરિયાદ પણ નોંધાઈ છે.SSS