Western Times News

Gujarati News

ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતાં તાપી નદી બે કાંઠે

ગાંધીનગર, રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં સાવર્ત્રિક વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. તાપીમાં પાણીની આવક થતા બારડોલીના હરિપુરા ગામે કોઝવે ડૂબી ગયો હતો. જેના કારણે ૧૦ થી વધુ ગામો સંપર્કવિહોણા બન્યા છે. ભારે વરસાદને કારણે પાણીની આવક થતા દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતો ઉકાઇ ડેમ આ વર્ષે ૩૪૦ ફૂટ સુધી ભરાઈ ગયો છે.

તેથી ઉકાઇ ડેમમાં પાણીની સપાટી વધતા તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. ઉકાઇ ડેમના ૨૨ ગેટમાંથી ૯ ગેટ ૪ ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. જેમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી ૯૮ ક્યૂસેક પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. જેના કારણે બારડોલી અને માંડવી તાલુકાને જાેડતો હરિપુરા કોઝવે પ્રભાવિત થયો હતો અને પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેના કારણે કડોદની સામે પારના ૧૦ ગામો પ્રભાવિત થયા છે.

આ ગામો સંપૂર્ણ રીતે સંપર્કવિહોણા બન્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ સિઝનમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૯.૨૪ ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં ૮૦.૫૦ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૭૧.૧૪ ટકા, કચ્છ ઝોનમાં ૭૦.૩૬ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૫૭.૬૯ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૫૫.૧૩ ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે.

ભારે વરસાદને કારણે ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૧ ને સવારે ૯.૦૦ કલાકની સ્થિતિએ રાજ્યના ૨૦૧ વિવિધ રસ્તાઓ બંધ થયા છે. જેમાં એક નેશનલ હાઈવે, ૧૮ સ્ટેટ હાઈવે, ૨૦ અન્ય માર્ગો, ૧૬૨ પંચાયતના માર્ગોનો સમાવેશ થાય છે. જેમાં બનાસકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, રાજકોટ, મોરબી, જામનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને પોરબંદર જિલ્લાઓના માર્ગો અસરગ્રસ્ત થયા છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સંચાલિત એસ.ટી બસોના ૫૫ રૂટ બંધ કરાયા છે અને ૧૨૧ ટ્રીપો રદ કરાઈ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.